બજેટમાં વિશ્વની સૌથી મોટી આ યોજનાની જાહેરાત કરી મોદી સરકારે રમ્યો ચૂંટણી દાવ

મોદી સરકારના કાર્યકાળના આખરી પૂર્ણ બજેટમાં નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ હેઠળ 10 કરોડ પરિવારોને વાર્ષિક પાંચ લાખનું હેલ્થ ઈન્શ્યોરન્સ આપવાનું એલાન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમને દુનિયાની સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના ગણાવી છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનું એલાન કર્યું છે. અમેરિકાની ઓબામા કેયરની જેમ આ યોજનાને મોદી કેયરનું નામ આપી શકાય તેમ છે. નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ હેઠળ હવે દેશના દશ કરોડ ગરીબ પરિવારોના લગભગ પચાસ કરોડ લોકોને વાર્ષિક પાંચ લાખ રૂપિયાના હેલ્થ ઈન્શ્યોરન્સનું એલાન કરવામાં આવ્યું છે.

જેટલીએ આ યોજનાને દુનિયાની સૌથી મોટી હેલ્થ કેયર યોજના ગણાવી છે. આ યોજનાનો લાભ ભારતની 130 કરોડની વસ્તીમાંથી 40 ટકાને મળશે. આ યોજના હેઠળ હવે ગરીબ પરિવારોને દર વર્ષે પાંચ લાખ સુધીના ઈલાજ પર નાણાં ખર્ચવા નહીં પડે. અત્યાર સુધી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ ગરીબ પરિવારોને વીમા માટે સરકારે માત્ર ત્રીસ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી.

બજેટમાં આયુષ્માન ભારત કાર્યક્રમ માટે બારસો કરોડ રૂપિયા અને ટીબીના દર્દીઓને પોષક પદાર્થો ઉપલબ્ધ કરાવવા માટે 600 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સરકાર 24 નવી મેડિકલ કોલેજો અને હોસ્પિટલની સ્થાપના પણ કરશે અને જિલ્લા સ્તરીય હોસ્પિટલોને પણ અપગ્રેડ કરવામાં આવશે. ચુલાના રસોઈઘરમાં વપરાશથી ગ્રામીણ મહિલાઓને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થતી હોય છે. જેને કારણે ઉજ્જવલા યોજના હેઠળ આઠ કરોડ નવા ગેસ કનેક્શન આપવામાં આવશે. આ યોજના હેઠળ પાંચ કરોડ ગરીબ મહિલાઓને ગેસ કનેક્શન અપાઈ ચુક્યા છે. હવે આગામી નાણાંકીય વર્ષ માટે બે કરોડથી વધારે શૌચાલય બનાવવાનું લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ છ કરોડ શૌચાલયો બનાવવામાં આવ્યા છે.

મોદી સરકારના હાલના કાર્યકાળનું છેલ્લુ પૂર્ણ બજેટ ન્યૂ ઈન્ડિયાનું બજેટ ગણામવાઈ રહ્યું છે. ન્યૂ ઈન્ડિયામાં સ્વસ્થ માનવબળ કેન્દ્ર સ્થાને રહેશે. તેને ધ્યાનમાં રાખીને મોદી સરકારે આરોગ્ય ક્ષેત્રે ગરીબ વર્ગને મોટી રાહત આપવાની કોશિશ કરી છે. 2018ના વર્ષમાં આઠ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને 2019ની લોકસભાની ચૂંટણીમાં નિશ્ચિતપણે ગરીબોને આરોગ્યલક્ષી સમસ્યાઓ દરમિયાન તબીબી સારવાર વખતે રાહત આપવાની જોગવાઈ કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી છે. તેની સાથે જ મોદી સરકારે પોતાનો સામાજિક સારોકાર પણ 2018-19ના બજેટમાં દાખવ્યો છે.

મહત્વપૂર્ણ છે કે અમેરિકાની કોંગ્રેસે ઓબામાના કાર્યકાલમાં પેશન્ટ પ્રોટેક્શન એન્ડ અફોર્ડેબલ કેયર એક્ટ નામથી હેલ્થકેર પ્રોગ્રામને કાયદાકીય સ્વરૂપ આપ્યું હતું. તેને સંક્ષિપ્તમાં અફોર્ડેબલ કેયર એક્ટ પણ કહેવામાં આવતો હતો. અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ 23 માર્ચ-2010ના રોજ આ કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકામાં વિપક્ષી દળના નેતાઓ આ યોજનાને ઓબામાકેયર કહેતા હતા. ખુદ ઓબામાએ આ નામ સ્વીકારી લીધું હતું. ભારત સરકારની નવી નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમને પણ ઓબામા કેયરની જેમ મોદી કેયરનું નામ આપવામાં આવે તો નવાઈ નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter