ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો, ધરૂનો પાક નિષ્ફળ જતા 6 કરોડનું નુકસાન

ગુજરાતમાં કૃષિ વિકાસની મોટી મોટી વાતો વચ્ચે સત્ય તો એ છે કે છેલ્લા બે વર્ષથી ખેડૂતોની હાલત કફોડી બની છે. સાણંદ તાલુકાનાં ખેડુતો છેલ્લા બે વર્ષથી દેવાદાર બન્યાં છે. એવા સમયે આ વર્ષે પણ ધરુનો પાક નિષ્ફળ ગયો છે.

સાણંદ તાલુકાના 123 ગામડાંઓના ખેડૂતોને સરકારે પોતાની સાથે દગો કર્યાનો અહેસાસ થઇ રહ્યો છે. ગત વર્ષે નર્મદાનું પાણી વેડફાયુ ત્યારબાદ ઉનાળામાં પણ ખેડુતોને પાણીના નામે ઠેંગો જ મળ્યો છે. આ વર્ષે પણ ડાંગર માટે ઉગાવેલા ધરુ બે વખત નિષ્ફળ ગયા છે. જેના કારણે માત્ર સાણંદ તાલુકામાં એક અંદાજ મુજબ બિયારણનું 6 કરોડ જેટલુ નુકશાન થયું છે.

ચોમાસા પહેલા ખેડુતો ડાંગરના પાક માટે બિયારણની ખરીદી કરીને ખેતરમાં ધરૂ ઉગાડે છે. ત્યારબાદ 10 જુન પછી નર્મદાનું પાણી મળતાં ધરૂને ખેતરમાં રોપીને ડાંગરનો પાક તૈયાર કરે છે. આ વર્ષે ખેડુતોએ સરકારનાં ભરોસે ધરુ તો ઉગાડ્યાં. પણ હવે સરકાર ડાંગર ઉગાડવા નર્મદાનુ પાણી નથી આપી રહી.

જેના કારણે બિયારણમાંથી તૈયાર કરેલા ધરુ બરબાદ થઈ રહ્યાં છે. ગત્ત વર્ષે ખેડૂતોને ઉનાળાના સમયે ધરૂ માટે પાણી ન મળતા ધરૂ ફેલ ગયા હતા. ત્યારે આ વર્ષે ખેડૂતોએ કૂવાના પાણીથી ધરૂ વાવ્યા. પરંતુ ફતેવાડી કેનાલ મારફતે નર્મદાનું પાણી ન મળ્યુ. જેથી ખેડૂતોની હાલત દયનીય બની ગઇ છે. ખેડૂતોના કહેવા મુજબ નર્મદા ડેમની સપાટી ઉંચી આવી છે ત્યારે ખેડૂતો તેમને નર્મદાનું પાણી અપાય તેવી માંગ કરી રહ્યા છે.

સ્થિતી એવી છે કે ડાંગર ઉગાડવાનાં ધરુથી લઈને ડાંગરનો પાક પાકે ત્યાં સુધી સાણંદના ખેડુતોને સરકાર સામે દરોરજ લડત આપવી પડે છે. સાણંદ તાલુકો તેનું ઉતમ ઉદાહરણ છે.

નર્મદાનું તો ઠીક પણ અમદાવાદ શહેરનુ વેસ્ટજ પાણી પણ ટ્રીટ કર્યા બાદ મળે તેના માટે બંધાયારો બાંધવા પણ અપીલ કરી છે. પણ ખેડૂતોના કહેવા મુજબ ચૂંટણી પહેલા અપાતા વચનો મતો મળી ગયા પછી પળાતા નથી કે કોઇ ફરકતું નથી.

સાણંદમાં પાણીની લઇને પહેલા પણ ખેડૂતોનો અવાજ ઉઠી ચૂક્યો છે ત્યારે ખાલી વચન આપીને મામલો સમેટી દેવામાં આવ્યો હતો. ત્યારે ફરી એકવખત ખેડૂતોએ પાણીને લઇને સરકાર સામે બાંયો ચઢાવી છે ત્યારે આ વખતે ખેડૂતો માટે શું નિર્ણય લેવાય છે તે મહત્વનું બની રહેશે

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter