યુવરાજસિંહ મારા માટે રોલમોડલ, કેવીરીતે રમવું તે શીખવાડ્યું: દીપક હુડ્ડા

ભારતીય ટી-20 ટીમમાં પ્રથમ વખત પસંદગી પામનારા ઓલરાઉન્ડર દીપક હુડ્ડાએ કહ્યું કે, તેમણે સીનિયર ખેલાડી યુવરાજસિંહ પાસેથી ઘણું શીખવા મળ્યું છે. વડોદરાના કેપ્ટન 22 વર્ષીય હુડ્ડાએ પ્રથમ શ્રેણીની 31 મેચોમાં 2208 રન બનાવ્યા છે. તેઓ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં યુવરાજસિંહની સામે રમે છે અને આઈપીએલ સનરાઈઝર્સ હૈદરાબાદની સાથે એક જ ડ્રેસિંગ રૂમમાં રહ્યા છે.

યુવરાજસિંહ મારા માટે રોલમોડલ

રોહતકમાં જન્મેલા હુડ્ડાએ કહ્યું,  ”યુવરાજસિંહ પાસેથી ઘણું શીખવા મળ્યું. તેમણે મને જણાવ્યું કે અલગ-અલગ પરિસ્થિતિઓમાં કેવી રીતે બેટીંગ કરાય. તેઓ મારી સારી બાબતો વિશે વાતચીત કરે છે અને મારી નબળાઈઓ વિશે મારું ધ્યાન દોરે છે. યુવરાજસિંહ જણાવે છે કે બોલરને કેવીરીતે પ્રતિક્રિયા અપાય અને ટીમને કેવીરીતે આગળ લઈ જવાય. હું 2 વર્ષમાં તેમની પાસેથી ઘણું શીખ્યો.” રસપ્રદ વાત છે કે ગયા વર્ષે હુડ્ડાએ યુવરાજસિંહની આગેવાની વાળી પંજાબની ટીમની સામે 293 રન બનાવ્યા હતા. આ મેચમાં યુવરાજે ડબલ સદી ફટકારી હતી.

ભારતીય ટીમમાં પસંદગી પામનાર આ ઓલરાઉન્ડર હવે મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ પાસેથી ઘણું શીખવા માંગે છે. તેમણે કહ્યું, ”હું તેના પર વિચાર-વિમર્શ કરીશ કે ધોની, રોહિતભાઈ અને અન્ય ખેલાડીઓ વિભિન્ન પરિસ્થિતિઓમાં કેવીરીતે રમે છે અને તેનાથી ઘણું શીખવા મળશે.”

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter