કુમારસ્વામીનો BJP પર પ્રહાર કહ્યું, MLAs ખરીદવા માટે આપી 100 કરોડની ઓફર

કર્ણાટકમાં સરકાર રચવા માટે મચેલી હોડ વચ્ચે કોંગ્રેસ અને જેડીએસની ચિંતા વધારનારા અહેવાલો છે. બંને પક્ષો બેંગાલુરુની હોટલમાં ધારાસભ્યોને એકજૂટ રાખવા માટે બેઠકો કરી રહ્યા છે. સૂત્રોનું કહેવું છેકે કોંગ્રેસની બેઠકમાંથી 25 જેટલા ધારાસભ્યો ગેરહાજર રહ્યા છે. તો નવનિર્વાચિત ધારાસભ્ય એમ. બી. પાટિલ કોંગ્રેસની બેઠક છોડીને નીકળી ચુક્યા છે. એમ. બી. પાટિલનો દાવો છે કે કોંગ્રેસના વધુ છ ધારાસભ્યો પણ તેમની સાથે છે. જરૂર પડશે તો આ છ ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડી દેશે.

બીજી તરફ જેડીએની બેઠકમાં પણ બે નવનિર્વાચિત ધારાસભ્યો પહોંચ્યા નથી. જેડીએસની બેઠકમાં નહીં પહોંચનારા ધારાસભ્યોમાં રાજા વેકંટપ્પા અને વેંકટ રાવનો સમાવેશ થાય છે. જેડીએસના ધારાસભ્ય દળના નેટા ચૂંટાયા બાદ એચ. ડી. કુમારસ્વામીએ ભાજપ પર ધારાસભ્યોને તોડવાની કોશિશ માટે મોટી લાલચ અપાયાનો ગંભીર આરોપ લગાવાયો છે.

કુમારસ્વામીએ કહ્યુ છે કે ધારાસભ્યોને ખરીદવા માટે 100-100 કરોડ રૂપિયા અને પ્રધાનપદાની ઓફર કરવામાં આવી છે. કુમારસ્વામીએ કહ્યુ છેકે વડાપ્રધાન મોદી કાળાધન પર પ્રહારની વાત કરે છે અને તેમની જ પાર્ટી ભાજપ જેડીએસના કેટલાક ધારાસભ્યોને એકસો કરોડ રૂપિયા અને કેબિનેટમાં પદ આપવાની લાલચ આપીને ખરીદવાની કોશિશ કરે છે.

આ 100 કરોડ રૂપિયા બ્લેક હશે કે વ્હાઈટ હશે? દેવૌગાડના પુત્રએ પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યુ છે કે તેમની પાસે ધારાસભ્યોને આપવા માટે રૂપિયા છે.. પરંતુ લોકોને વાયદા પ્રમાણે 15 લાખ રૂપિયા આપવા માટેની તૈયારી નથી. કુમારસ્વામીએ સેક્યુલર વોટર્સને વિભાજીત કરીને ભાજપે કર્ણાટકમાં 104 બેઠકો જીતી હોવાનો દાવો કર્યો છે.

વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કુમારસ્વામીએ કહ્યુ છે કે ભાજપ પાસે સંખ્યાબળ નથી, તેવામાં વડાપ્રધાને એવું કહેવું જોઈતું ન હતું કે ભાજપ સરકાર બનાવશે. કુમારસ્વામીએ પોતાને અથવા પોતાની પાર્ટીને સત્તાની લાલસા નહીં હોવાનું જણાવીને પોતાના મુખ્યપ્રધાન બનવા માટે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા સમર્થન બદલ પોતાના સાથીપક્ષનો આભાર પણ માન્યો છે.

કુમારસ્વામી દ્વારા ઈન્કમટેક્સ વિભાગનો દુરુપયોગ કરાતો હોવાનો પણ આરોપ લગાવાયો છે. કુમારસ્વામીએ ભૂતકાળમાં ભાજપને ટેકો આપવાના પોતાના નિર્ણયને પિતા દેવેગૌડાની રાજકીય કારકિર્દી પરનું કલંક ગણાવીને કહ્યુ છે કે હવે કોંગ્રેસની સાથે જવા સિવાય બીજો કોઈ નિર્ણય કરવામાં નહીં આવે.

એક તરફ યેદિયુરપ્પાને રાજ્યપાલ દ્વારા પહેલા સરકાર બનાવવાનું આમંત્રણ આપવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે અને ગુરુવારે યેદિયુરપ્પાના શપથગ્રહણ સમારંભની શક્યતા છે. તો બીજી તરફ કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન દ્વારા સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી પણ કરી લેવામાં આવી છે.

જેડીએસ-કોંગ્રેસના ગઠબંધન પાસે બહુમતી કરતા ચાર ધારાસભ્યો વધુ હોવાથી સરકાર બનાવવા માટે કુમારસ્વામીને આમંત્રિત કરવાની માગણી કરવામાં આવી છે. ભાજપને રાજ્યપાલ દ્વારા આમંત્રણ આપવામાં આવે તેવી સ્થિતિમાં ધરણા યોજવાની શક્યતાઓ પણ કોંગ્રેસ –જેડીએસ દ્વારા તૈયારી કરાઈ હોવાનું પણ સૂત્રો દ્વારા જણાવાઈ રહ્યું છે.

ભાજપના સૂત્રોનું કહેવું છે કે પાર્ટી દ્વારા કર્ણાટકમાં સરકાર બનાવવા માટે જરૂરી ધારાસભ્યોનું સમર્થન મેળવી લેવામાં આવ્યું છે. સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યા બાદ ફ્લોર પર બહુમતી સાબિત કરવામાં આવશે. સૂત્રો મુજબ રાયચુર, બેલ્લારી અને બેલગામના લગભગ 10થી 12 ધારાસભ્યો સાથે વાતચીત થઈ ચુકી છે. ગૃહમાં ફ્લોર ટેસ્ટ વખતે આ ધારાસભ્યો ગેરહાજર રહે તેવી શક્યતા છે. જેમાં બહુમતી માટે જરૂરી ધારાસભ્યોની સંખ્યા 111થી નીચે આવી જશે.

અંગ્રેજી નવલકથાકાર ચેતન ભગતે ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગને એક પ્રકારની કળા ગણાવી દીધી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ છે કે, ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં કોઈ નૈતિક રસ્તો બાકી બચતો નથી. તો હવે બંને પક્ષો નૈતિકતા શિખવવાનું બંધ કરે આ બેકારની કવાયત છે. હોર્સ ટ્રેડિંગ પણ એક કળા છે. ભાજપ અને કોંગ્રેસ માટે વધુ એક પરીક્ષા. જોઈએ છીએ.. આમા કોણ શ્રેષ્ઠ સાબિત થશે…

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter