તમામ અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી જાધવને ફાંસી નહીં: પાક.

ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલામાં પાકિસ્તાને પ્રથમ વખત સત્તાવાર રીતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું છે કે, કુલભૂષણ જાધવને ત્યાં સુધી ફાંસી આપવામાં નહીં આવે, જ્યાં સુધી તે પોતાની તમામ ક્ષમા અરજીઓનો ઉપયોગ નહીં કરી લેતો.

જાસૂસીના ખોટા આરોપમાં પાકિસ્તાન દ્વારા ફાંસીની સજા પામેલા જાધવ પર પાકિસ્તાન તરફથી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. તેમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા નફીસ ઝકારિયાના નિવેદન અનુસાર, ઇન્ટરનેશનલ કોર્ટની રોક છતાં જાધવ ત્યાં સુધી જીવતો રહેશે, જ્યાં સુધી તેના દયાના અધિકાર હેઠળ કરવામાં આવેલી અંતિમ અરજી પર નિર્ણય ન આવે. જેમાં પ્રથમ તબક્કામાં સેના પ્રમુખ અને બાદમાં પાકિસ્તાની રાષ્ટ્રપતિની પાસે અરજી કરવાનો અધિકાર છે.

આ પહેલા ભારત ખાતેના પાકિસ્તાનના રાજદૂત અબ્દુલ બાસિતે પણ કંઈક આવો જ ઈશારો કર્યો હતો. સત્તાવાર રીતે કુલભૂષણ જાધવની ફાંસી મામલે પાકિસ્તાને પહેલી વખત નિવેદન આપ્યું છે. પાકિસ્તાનમાં નેશનલ સિક્યુરિટી કમિટીની બેઠકમાં આના સંદર્ભે નિર્ણય કરવામાં આવ્યો છે. જાધવને મુક્ત કરાવવા માટે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં કેસ લડી રહેલા ભારત માટે આ એક રાહતના સમાચાર છે.

મહત્વનું છે કે, ઇન્ટરનેશનલ કોર્ટે પણ પાકિસ્તાનને જાધવની ફાંસી પર રોક લગાવવા આદેશ આપ્યો હતો. પરંતુ આ વાતને લઇને એવી અટકળો હતી કે, પાકિસ્તાન આ નિર્ણયને માનશે કે નહીં. પાકિસ્તાને ઇન્ટરનેશલ કોર્ટમાં આ આદેશ વિરુદ્વ અપીલ પણ કરી છે. જેના પર આઠ જૂને સુનાવણી થશે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter