નિમેષ દેસાઇની વિદાય : ઇસરોએ ઓછી ઉંમરે તેમની ભરતી કરવા દિલ્હીથી ખાસ મંજૂરી લીધી હતી

જાણીતા નાટ્યકાર નિમેષ દેસાઈની ચિર વિદાયની સાથે જ ગુજરાતી નાટ્યમંચનો એક સિતોરો ખરી પડ્યો છે. નિમેષ દેસાઈ એક એવુ વ્યક્તિત્વ છે કે, જેણે સ્ટેજથી માંડીને ફિલ્મ જગતમાં અદાકારીનો નવો અંદાજ રજૂ કર્યો તેવા પરેશ રાવલને લોકો સમક્ષ લાવ્યા છે.

નાટ્યકાર નિમેષ દેસાઈ નાટ્ય વિવેચનમાં જેને ‘ગુડ થિએટર’ અને’ ગ્રેટ થિએટર’ કહેવાય છે તેનો પર્યાય બની રહ્યા હતા. નિમેષ દેસાઈએ શેક્સપિયરથી માંડીને સરસ્વતીચંદ્ર, ભારેલો અગ્નિ, મળેલાં જીવ જેવી નવલકથાઓ પરનાં નાટકો પણ આપ્યાં છે.

‘ઢોલીડો’, ‘કહો મકનજી ક્યાં ચાલ્યા’ અને ‘સગપણ એક ઉખાણું’ નાટક તેમના સૌથી લોકપ્રિય બનેલા છે. સાવરિયો રે મારો સાવરિયો’ રમેશ પારેખ પાસેથી નિમેષ દેસાઈએ બસની ટિકિટોની પાછળ લખાવ્યું હતું. એ ગીત તેમણે ફીચર ફિલ્મ ‘નસીબની બલિહારી’માં મૂક્યું હતું. 23 વર્ષના નિમેષ દેસાઈની આ ફિલ્મને રાજ્યના 8 પુરસ્કાર મળ્યા હતા.

અમદાવાદના ‘ઇસરો’એ 1975માં, નિમેષની ઓછી ઉંમરે પણ પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકેની ભરતી માટે દિલ્હીથી ખાસ મંજૂરી મેળવી હતી. પછી તેમને પ્રોડ્યૂસર તરીકે બઢતી અને પૂનાની એફટીઆઇઆઇમાં ફિલ્મકળાની તાલીમ પણ મળી હતી. ‘ઇસરો’માં શૈક્ષણિક અને સામાજિક ઉપયોગિતાવાળા 1200 કાર્યક્રમો પણ બનાવ્યા. સમાંતરે કૉલેજ શિક્ષણ સાથે ‘કોરસ’ નાટ્યજૂથ શરૂ કરીને અવનવાં નાટકો કર્યાં. નાટક કરવા માટે ‘ઇસરો’ની કેન્દ્રસરકારની સલામત નોકરી છોડી.

નાટક અને સિરિયલ્સમાં નિમેષ દેસાઈના પાસાં અવળા પડતા પિતાએ વારસાગત જમીન અને બંગલો વેચીને એને ટેકો કર્યો. નિમેષ દેસાઈના મરાઠી, અંગ્રેજી અને ભારતીય ભાષાઓનાં નાટકોના અલગ ઉત્સવો, તેમ જ સળંગ પિસ્તાળીસ દિવસની નાટ્યવ્યાખ્યાનમાળા કર્યા.

સ્વખર્ચે આયોજિત આયોજનો દ્વારા તેનાથી કમાનાર કરતાં ગુમાવનાર તરીકે તેમની નામનામાં ઉમેરો થયો, જોકે તેમ છતાં તેઓએ આ ક્ષેત્ર છોડ્યુ નહી, નિમેષ દેસાઈનાં નાટકો તેમના ભવ્ય ભૂતકાળની યાદ અપાવે છે. અને હવે એ જ સંભારણું આજે નાટ્યજગતના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે પ્રેરણા બની રહેશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter

Gujarat Elections 2017 - Full Coverage