ઇન્ડોનેશિયા ઓપનમાં શ્રીકાંત બન્યો ચેમ્પિયન

ઇન્ડોનેશિયા ઓપન સુપર સિરીઝ બેડમિન્ટન ટૂર્નામેન્ટની પુરુષ સિંગલ વિભાગના ફાઇનલ મુકાબલામાં ભારતના કિદામ્બી શ્રીકાંતે જાપાનના કાજૂમાસા સાકાઇને હરાવી ખિતાબ પોતાના નામે કર્યો છે.

શ્રીકાંતે 37 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 21-11, 21-19 થી જીત હાંસલ કરી હતી. આ પહેલા શનિવારે શ્રીકાંતે વિશ્વના નંબર એક ખેલાડી દક્ષિણ કોરિયાના સોન વાનને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે સાકાઇએ ભારતના પ્રણયને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

ફાઇનલ મુકાબલામાં શ્રીકાંત પ્રથમ ગેમથી પ્રતિ સ્પર્ધી ખેલાડી પર હાવી થયો હતો. તેમણે પહેલી ગેમ 21-1થી જીતી હતી. ત્યાર બાદ બીજી ગેમમાં સાકાઇએ વાપસી કરતા પ્રારંભમાં સરસાઇ બનાવી હતી. એક સમયે તે 11-6થી આગળ હતો પરંતુ, ત્યાર બાદ શ્રીકાંતે જોરદારી આક્રમણ કરતા બરાબરી કર્યા બાદ 21-19થી મેચ જીતી ખિતાબ પોતાના નામે કર્યો હતો.

દુનિયાના 22માં નંબરના ખેલાડી શ્રીકાંતની આ બીજો સુપર સિરીઝ પ્રીમિયર ખિતાબ છે. આ પહેલા તેણે વર્ષ 2014માં ચાઇના ઓપન પર કબ્જો જમાવ્યો હતો. તો વળી, શ્રીકાંત માટે આ ચોથી સુપર સિરીઝ ફાઇનલ હતી. 2015માં તે ઇન્ડિયા ઓપન જીતી ચૂક્યો છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter