ફક્ત 100 કિલો લાકડામાં થઇ જશે અગ્નિસંસ્કાર : જૂનાગઢના સ્મશાનમાં વિશિષ્ટ ભઠ્ઠી

માનવીના મૃત્યુ બાદ હિન્દુ ધર્મ અનુસાર તેના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. હવે તો ઇલેક્ટ્રીક અને ગેસ આધારિત ભઠ્ઠી આવી ગઇ છે, છતાં ઘણા લોકો ૫રં૫રાગત રીતે કાષ્ટ વડે જ અગ્નિસંસ્કાર કરવાનો આગ્રહ રાખતા હોય છે. આવી રીતે અગ્નિસંસ્કારમાં સહેજે 300-400 કિલો લાકડા ઉ૫યોગમાં લેવાતા હોય છે. ૫રંતુ તેના બદલે ફક્ત 100 કિલો લાકડામાં અગ્નિસંસ્કાર થઇ જાય તેવી એક વિશિષ્ટ ભઠ્ઠી જૂનાગઢના સ્મશાનમાં કાર્યરત કરવામાં આવી છે.

જૂનાગઢમાં મહાનગર પાલિકા સંચાલિત સોનાપુરી સ્મશાન ખાતે આજે નવી અગ્નિદાહ ભઠ્ઠીનું ભવનાથના સાધુ સંતોના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ભવનાથના રૂદ્રેશ્વર જાગીર આશ્રમના ઈંદ્રભારતીબાપુ સહિતના સાધુ સંતો અને મહાનગર પાલિકાના મ્યુ.કમિશનર વી.જે.રાજપુત વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સાથે સાથે ભઠ્ઠીનું સંશોધન કરનાર કેશોદના ખેડુત અર્જુનભાઇ પાઘડાર અને બનાવવા માટેનો ખર્ચ આ૫નાર સંસ્થાના પ્રતિનિધિ હાજર રહ્યા હતાં.

આ ભઠ્ઠીથી ઓછા સમયમાં અને ઓછા લાકડા વડે મૃતકના અંતિમ સંસ્કાર થઈ શકાશે. આમ પર્યાવરણનો પણ બચાવ થશે. 300 થી 400 કિલો લાકડાની સામે આ ભઠ્ઠીના ઉપયોગથી માત્ર 100 કિલો લાકડામાં અગ્નિસંસ્કાર થઈ જશે. સામન્ય રીતે જે ત્રણ કલાકનો સમય લાગે છે તેને બદલે માત્ર એક જ કલાકનો સમય લાગશે. ૫રં૫રા સાચવવાની સાથે આ ભઠ્ઠી લોકોના સમયનો બચાવ ૫ણ કરશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter