જમ્મુ-કાશ્મીરમાં રમઝાન માસ દરમ્યાન શરતી યુદ્ધવિરામનું કેન્દ્ર દ્વારા એલાન

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં રમઝાન માસ દરમિયાન શરતી યુદ્ધવિરામનું એલાન કરવામાં આવ્યું છે. ભારતના ગૃહ મંત્રાલય તરફથી સુરક્ષાદળોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે રમઝાન માસ દરમિયાન સુરક્ષાદળો દ્વારા કોઈ ઓપરેશન્સ હાથ ધરવામાં આવે નહીં.

ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે સુરક્ષાદળો દ્વારા ઓપરેશન હાથ નહીં ધરવાનો નિર્ણય શાંતિપ્રિય મુસ્લિમને રમઝાનની ઉજવણી માટે શાંતિપૂર્ણ માહોલ પુરો પાડવાના ઉદેશ્યથી કરાયો છે. જો કે સુરક્ષાદળો પર હુમલો કરવામાં આવશે. આવા સંજોગોમાં સુરક્ષાદળોએ વળતી કાર્યવાહી કરી શકશે. રમઝાન દરમિયાન એકતરફી યુદ્ધવિરામની માંગણી જમ્મુ-કાશ્મીરની પીડીપી-ભાજપની ગઠબંધન સરકારના મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તિ દ્વારા કરાઈ હતી. આ માંગણીને કેન્દ્ર સરાકરે માની લીધી છે અને તેની જાણકારી જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિને પણ કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે, ભારતના ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ દીપક કપૂરે રમઝાન દરમિયાન એકતરફી યુદ્ધવિરામને કારણે આતંકવાદીઓ ફરીથી મજબૂત થવા માટેનો સમય મળશે. તો જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ ડીજીપી ખજૂરિયાએ એક તરફી યુદ્ધવિરામના નિર્ણયન દેશહિતની વિરુદ્ધનો ગણાવ્યો છે.

રમજાન મહિનામાં શરતી યુદ્ધવિરામ : કેન્દ્રના નિર્ણય સામે સવાલો ઉઠ્યા

કેન્દ્ર સરકારે કાશ્મીર ખીણમાં રમઝાન મહિનામાં શાંતિ સ્થપાય તે માટે એક તરફી શરતી યુદ્ધવિરામની મંજૂરી આપી છે. જોકે, કેન્દ્રના આ નિર્ણય સામે કેટલાંક સવાલો પણ ઉઠી રહ્યા છે. આ એક મહિનો આતંકવાદીઓ માટે અભયદાન બની જશે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે કડક હાથે કામ લેવાની વાત કરનારી મોદી સરકારે રાજકીય હિતને ધ્યાને રાખીને યુદ્ધવિરામનો મોટો નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપીની જોડાણવાળી સરકાર છે ત્યારે સીએમ અને પીડીપીના નેતા મહેબૂબા મુફ્તિની યુદ્ધવિરામની અપીલને માનીને કેન્દ્ર સરકારે સાથી પક્ષને નારાજ ન કરવાનો નિર્ણય કર્યો. જો કે જાણકારોનું માનવુ છે કે તેના કારણે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો મુકાબલો કરી રહેલા સુરક્ષાદળોના નૈતિક મનોબળ પર આ નિર્ણયની વિપરીત અસર થશે. સુરક્ષા જવાનો પોતાના જીવની પરવાહ કર્યા વગર રાત-દિવસ આતંકવાદીઓને ઝેર કરવામાં લાગેલા રહે છે. ત્યારે પીડીપીને ખુશ કરવા કેન્દ્રના આ નિર્ણય સામે સવાલ ઉઠી શકે છે.

હાલમાં છેલ્લા ઘણાં સમયથી કાશ્મીર ખીણમાં સુરક્ષાદળો દ્વારા ઓપરેશન ઓલઆઉટ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સુરક્ષાદળોને ઘણી સફળતા પણ મળી રહી છે. આ ઓપરેશન હેઠળ જ સુરક્ષાદળોએ આતંકવાદીઓ માટે પોસ્ટર બોય બનેલા બુરહાન વાનીની સમગ્ર ગેંગને ઠાર કરી હતી. ત્યારે સુરક્ષાદળોના આ અભિયાન પર બ્રેક લાગવાથી આતંકવાદીઓના ઇરાદા મજબૂત થાય તેવી પણ ભીતિ વ્યક્ત કરાઇ રહી છે. જોકે, સુરક્ષાદળોને આતંકવાદી હુમલા કે આ પ્રકારના અન્ય કોઇ હુમલા સામે જવાબી કાર્યવાહીની છૂટ અપાઇ છે. પરંતુ આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ કાર્યવાહી કરવા સામે સુરક્ષાદળોના હાથ બંધાઇ જવાનું મનાઇ રહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter