સરકારના આ પગલાથી દેશમાં ઈન્ટરનેટના ઉપયોગમાં કોઈ ભેદભાવ થશે નહીં

દેશમાં કોઈ પણ ભેદભાવ અને રોકટોક વિના ઈન્ટરનેટ માટેની ઉપલબ્ધતા જાહેર રહેશે. સરકારે દેશમાં નેટ ન્યૂટ્રીલિટીને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રના આ આદેશમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ અને ઉલ્લંઘન અંગે ભારે દંડની ચેતવણી આપવામાં આવી છે. કેન્દ્રના આ આદેશ બાદ ઈન્ટરનેટ પર કોઈ પણ પ્રકારના ભેદભાવની આશંકા ખત્મ થઇ ગઇ છે. જોકે, રિમોટ સર્જરી અને સ્વયંસંચાલિત જેવી ઘણી મહત્વપૂર્ણ સેવાઓને નેટ નિરપેક્ષતાના નિયમોથી બહાર રખાશે.

આ આદેશ બાદ હવે મોબાઈલ ઓપરેટર્સ, ઈન્ટરનેટ પ્રોવાઈડર્સ અને સોશિયલ મીડિયા કંપનીઓ ઈન્ટરનેટ પર કન્ટેન્ટ અને સ્પીડ સંદર્ભે પક્ષપાતપૂર્ણ વલણ ન અપનાવી શકે. આ સિવાય કંપનીઓ જીરો રેટેડ પ્લેટફોર્મ પણ બનાવી શકે નહીં. જ્યાં ફક્ત પસંદ થયેલી સર્વિસ અને વેબસાઈટ જ ફ્રી કરવાની વાત છે.

ટેલિકોમ સચિવ અરૂણા સુંદરરાજનને જણાવ્યું, બુધવારે ઈન્ટર મિનિસ્ટ્રીઅલ કમિશનની બેઠકમાં નેટ ન્યુટ્રીલિટીને મંજૂરી આપવામાં આવી છે. તાત્કાલિક અસરથી તેને લાગુ કરવામાં આવ્યું છે. સરકારના આ વલણને સકારાત્મક મનાઈ રહ્યું છે, કારણકે આ આદેશ બાદ કોઈ પણ ઑપરેટર, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર આ ક્ષેત્રમાં પોતાની મોનોપોલી ચલાવી શકે નહીં.

નેટ ન્યૂટ્રીલિટી એટલે શું?

નેટ ન્યૂટ્રીલિટીનો મતલબ છે કે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તરફથી કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના વેબ આધારિત સર્વિસ આપવાની આઝાદી. આ ટેલિફોન સર્વિસ પ્રોવાઈડરોના તે કોન્સેપ્ટની જેમ છે, જેમાં કૉલ કરવામાં કંપનીઓ કોઈ શરત-ભેદભાવ કરતી નથી. જેમકે એક વખત સેવા લીધા બાદ તમે કોઈ પણ જગ્યાએ ફોન કરી શકો છો, તેવી રીતે નેટ પેક લીધા બાદ તમે ખુલીને ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. નેટ ન્યૂટ્રીલિટીનો અર્થ છે કે કોઈ મહત્વની વેબસાઈટ અને ઈન્ટરનેટ આધારીત સર્વિસ માટે નેટવર્ક પ્રોવાઈડર તમારા પાસેથી અલગથી ચાર્જ વસૂલ કરે નહીં.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter