સેના તરફથી સંસદીય સમિતિ સામે રજૂઆત : મેક ઈન ઈન્ડિયાએ હજી ગતિ પકડી નથી

ભારતની સામેના વ્યૂહાત્મક પડકારોના સામનો કરવામાં સૈન્ય તૈયારી અને સેનાનું આધુનિકીકરણ ખૂબ મહત્વના પાસા છે. સેના તરફથી સંસદીય કમિટીને કહેવામાં આવ્યું છે કે તેની પાસેના 68 ટકા ઈક્વિપમેન્ટ જૂના છે અને મેક ઈન ઈન્ડિયા હજી ગતિ પકડવાનું બાકી છે. સેના તરફથી જણાવવામાં આવ્યું છે કે મોદી સરકારે તેમને નાણાં આપ્યા નથી. જેથી આધુનિકીકરણ અથવા ઈમરજન્સી ખરીદી કરી શકે તેમ નથી.

ભારતીય સેના પાસે ઉરી એટેક, સર્જિકલ સ્ટ્રાઈક અને ડોકલામ સ્ટેન્ડ ઓફ જેવી સ્થિતિ બાદ કરવામાં આવી હતી. તેવી ઈમરજન્સી ખરીદી માટેના પુરતા નાણાં નથી અને ચીનની સરહદે સ્ટ્રેટજીક રોડના નિર્માણ માટેના પુરતા સંસાધનો પણ નથી. સંસદની સંરક્ષણ મામલાની સમિતિને સેના તરફથી જાણકારી આપવામાં આવી છે કે આ વખતના બજેટ ફાળવણીમાં આધુનિકીકરણની તમામ આશાઓ પર પાણી ફેરવ્યું છે. સંસદીય સમિતિને ભારતીય સેનાના ઉપાધ્યક્ષ લેફ્ટિનેન્ટ જનરલ સરતચંદે જણાવ્યું છે કે સેનાના 68 ટકા ઈક્વિપમેન્ટ્સ વિન્ટેજ કેટેગરીના છે. આ વર્ષે આપવામાં આવેલા ફંડ જૂની ખરીદીના ઈન્ટોલમેન્ટની ચુકવણી માટે પણ અપુરતું છે. સંસદની સંરક્ષણ મામલાની સમિતિના અધ્યક્ષ ભાજપના વરિષ્ઠ નેતા મેજર જનરલ બી. સી. ખંડૂરી છે.

ઉરી એટેક અને ત્યારબાદ કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક તથા સરહદે તણાવની સ્થિતિને જોતા સેના દ્વારા એમ્યુનિશન, એન્ટિ ટેન્ક મિસાઈલ્સ, રાઈફલ્સ જેવી શ્રેણીબદ્ધ ઈમરજન્સી ખરીદી શરૂ કરાઈ હતી. તો ગત વર્ષે ડોકલામ સ્ટેન્ડઓફ વખતે પણ સેનાએ આવી જ ઈમરજન્સી ખરીદી કરી હતી. લેફ્ટિનન્ટ જનરલ સરત ચંદે કહ્યુ છે કે આધુનિકીકરણ માટેની 21 હજાર 338 કરોડની ફાળવણી 29 હજાર 33 કરોડની ચાલી રહેલી 123 સ્કીમ્સ, ઈમરજન્સી ખરીદી અને અન્ય જરૂરિયાતો માટે અપુરતી છે. સેનાએ એમ પણ કહ્યું છે કે 68 ટકા ઈક્વિપમેન્ટ વિન્ટેજ કેટેગરીમાં આવે છે. તો 24 ટકા પ્રવર્તમાન અને આઠ ટકા સ્ટેટ ઓફ ધ આર્ટ કેટેગરી હેઠળના છે. ભારતીય સેનાના નાયબ અધ્યક્ષે કહ્યુ છે કે ચાલી રહેલી 25 યોજનાઓ માટે બજેટની ફાળવણી અપુરતી છે. જેને કારણે આમાંની મોટાભાગની યોજનાઓને બંધ કરવી પડશે.

સેનાની માગણી કરતા 17 હજાર 756 કરોડ જેટલા ઓછા ફંડની ફાળવણી કરવાને કારણે ચીનની સરહદે અને વ્યૂહાત્મક કામગીરીમાં અસર પડવાની સંભાવના છે. ભારતીય સેનાના ઉપાધ્યક્ષ લેફ્ટિન્ટ જનરલ સરત ચંદે કહ્યુ છે કે ચીનની સરહદે ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચરના વિકાસ અને સ્ટ્રેટજીક રોડ્સ માટે માંગવામાં આવ્યા હતા તેના કરતા 902 કરોડ રૂપિયાની ઓછી ફાળવણી કરાઈ છે. સેનાના આધુનિકીકરણની જરૂરિયાત પણ ઓછા બજેટની ફાળવણીને કારણે આગળ વધારવી સરળ નહીં હોવાનો મામલો પણ ઉઠાવવામાં આવ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter