હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામામાં નવો વળાંક : ધારાસભ્યોને અકબંધ રાખવા કોંગ્રેસે ઘડ્યો આ પ્લાન

કર્ણાટકના હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામામાં એક પછી એક નવા વળાંકો આવી રહ્યા છે ત્યારે પોતાના ધારાસભ્યોને અકબંધ રાખવા કોંગ્રેસ ફરી ધારાસભ્યોને રિસોર્ટ લઈ ગઈ છે.

કોંગ્રેસના ધારાસભ્ય ડી. કે શિવકુમારની ઈગલટન રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. ભાજપ ધારાસભ્યોને તોડી કોંગ્રેસ-જેડીએસનો ખેલ ન બગાડે તે માટે તેમને ઈગલટન રિસોર્ટ લઈ જવાયા છે. આ એજ રિસોર્ટ છે જ્યાં ગત 28 જુલાઈએ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા માટે કોંગ્રેસના જ કેટલાક ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા પક્ષ માટે કપરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. એટલે ગુજરાત કોંગ્રેસના 42 ધારાસભ્યોને બેંગાલુરુ ખાતેની ઈગલટન રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા. ધારાસભ્યોને રિસોર્ટની બહાર નીકળવા મનાઈ ફરમાવામાં આવી હતી. સાથે જ તેમની પાસેના મોબાઈલ પણ લઈ લેવાયા હતા.

115 ધારાસભ્યોનું સમર્થન હોવાનો કોંગ્રેસ-જેડીએસનો દાવો

કર્ણાટકમાં સત્તાની સાઠમારી જોવા મળી રહી છે.  સાંજના સમયે કોંગ્રેસ અને જેડીએસ દ્વારા પોતાના ધારાસભ્યોને બસમાં રાજભવન ખાતે લાવવામાં આવ્યા. કોંગ્રેસ અને જેડીએસનો ઉદ્દેશ્ય ધારાસભ્યોની રાજ્યપાલ સમક્ષ પરેડ કરાવવાનો હતો.  જે માટે જેડીએસના નેતા કુમારસ્વામી અને કોંગ્રેસના નેતા જી.પરમેશ્વર રાજ્યપાલને મળવા માટે રાજભવનની અંદર ગયા હતા. આ માટે કોંગ્રેસ અને જેડીએસના નેતાઓએ પોતાની પાસે 115 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરવામાં આવ્યો. તેમજ રાજ્યપાલ વજુભાઇ વાળાને આ માટે યાદી પણ સોંપી. કોંગ્રેસ પોતાના 75થી 78 ધારાસભ્યની ઓળખ પરેડ માટે તૈયાર હતી. જયારે કે જેડીએસ 37 ધારાસભ્યોની પરેડ માટે તૈયાર હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter