હાર્દિક પટેલ AICCના નેતાઓ સાથે સંપર્કમાં, મંગળવારે કરી શકે છે મોટી જાહેરાત: સૂત્ર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને લઈને કેન્દ્ર સ્થાને રહેલા હાર્દિક પટેલે ચૂંટણીમાં કોને સમર્થન આપવુ તેને લઈને પત્તા ખોલ્યા નથી. આ સવાલ એટલા માટે પણ ઉઠે કે ઉમેદવારોના ફોર્મ ભરાઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી અનામત મુદ્દે પાસની ટીમે કયા રાજકીય પક્ષ સાથે રહેવું તેને લઈને ખોંખારો ખાધો નથી. એવી ચર્ચા છે કે મંગળવારે હાર્દિક પટેલ કોઈ મોટી જાહેરાત કરી શકે છે, પરંતુ આ દરમ્યાન જે ઘટનાક્રમ સર્જાયો તે ખરેખર ચોંકાવનારો છે.

સુત્રોનું માનીએ તો એવી ચર્ચાઓ અંદરખાને ચાલી રહી છે કે હાર્દિક પટેલ પોતે એઆઈસીસીના નેતાઓ સાથે સંપર્કમાં છે અને તમામ ગતીવિધીઓથી ઉચ્ચ નેતાઓ સાથે વાટાઘાટો કરી રહ્યો છે. જોકે હાર્દિકના ભેદી મૌનથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ પાસમાં દિનેશ બાંભણિયાના વધતાં પ્રભુત્વને ઘટાડવા માટે પણ હાર્દિકે કોંગ્રેસ અને દિનેશને સામ સામે લાવી દીધા છે. એક તરફ હાર્દિકે પાસ કન્વીનરોને ચૂંટણી ન લડવી તેવો સંકેત આપ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસમાં પાટીદાર નેતાઓને ટિકિટો મળે તેવો માહોલ તૈયાર કરી દીધો છે.

રાજકીય પંડિતોનું માનીએ તો રવિવારે દિનેશ બાંભણીયાએ જે તાયફા કર્યા તેનાથી પાસ કન્વીનરો ખફા છે ત્યારે હાર્દિક હવે કયા પ્રકારની નીતિ અપનાવે છે તેના પર પણ નજર મંડાયેલી છે. કારણ કે એક તરફ પાસ પર પકડ જમાવી રાખવી અને બીજી તરફ રાજકીય પક્ષ સાથે પણ વાટાઘાટો ચાલુ રાખવી તે કંઈક અલગ જ સમીકરણ દર્શાવે છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter