જો પાક. સરકાર પૂરાવા રજૂ નહીં કરે તો હાફિઝ સઈદને નજરકેદમાંથી મુક્ત કરાશે: લાહોર હાઈકોર્ટ

પાકિસ્તાન તેના લાડલા આતંકવાદીને કથિત નજરકેદમાંથી ઘોષિતપણે મુક્ત કરે તેવી શક્યતા છે. ભારતના મોસ્ટવોન્ટેડ આતંકવાદી અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની નજરકેદ મામલે લાહોરની હાઈકોર્ટે પુરાવા દાખલ કરવા માટે ગૃહ સચિવને તાકીદ કરી છે. જો પાકિસ્તાનના ગૃહ સચિવ દ્વારા પુરાવા રજૂ નહીં કરાય તો લશ્કરે તૈયબાના સંસ્થાપક આતંકી હાફિઝ સઈદને નજરકેદમાંથી મુક્ત કરી દેવાશે.

પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના ચીફ અને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદને 31 જાન્યુઆરીથી પાકિસ્તાનમાં નજરકેદ કરવામાં આવ્યો છે. પરંતુ પાકિસ્તાન સરકારની આવી હરકત માત્ર લાજે લુંગડા પહેરવા જેવી જ હોવાનું માનવામાં આવે છે. હવે પાકિસ્તાનમાં એક પાવર સેન્ટર ગણાતા જેહાદી આતંકી જૂથોના સૌથી મોટા આતંકી આકા હાફિઝ સઈદની નજરકેદ ખતમ કરાવવા માટે પાકિસ્તાન સરકાર હવે તેની મદદે આવી ચુકી છે. લાહોર હાઈકોર્ટે પાકિસ્તાનની સરકારને હાફિઝ સામેના પુરાવા રજૂ કરવા માટે તાકીદ કરી છે અને આમ નહીં થાય તો નજરકેદ સમાપ્ત કરવાનું પણ જણાવ્યું છે. મહત્વપૂર્ણ છે કે, લાહોર હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન પાકિસ્તાન સરકારના ગૃહ સચિવ તેની કસ્ટડી સંબંધિત રેકોર્ડ સાથે અદાલતમાં રજૂ થયા ન હતા.

કાર્યવાહી દરમિયાન ગૃહ સચિવની ગેરહાજરીથી નારાજ લાહોર હાઈકોર્ટે કહ્યું છે કે, માત્ર પ્રેસ ક્લિપિંગના આધારે કોઈપણ નાગરિકને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય નહીં. જસ્ટિસ સૈયદ મઝહર અલી અકબર નક્વીએ કહ્યુ છે કે, સરકારનો વ્યવહાર દર્શાવે છે કે અરજદારો વિરુદ્ધ સરકાર પાસે કોઈ નક્કર પુરાવા નથી. કોર્ટની સામે કોઈ નક્કર પુરાવા રજૂ કરવામાં નહીં આવે, તો અરજદારોની કસ્ટડી રદ્દ કરવામાં આવશે.

ડેપ્યુટી અટોર્ની જનરલ સાથે આવેલા પાકિસ્તાની ગૃહ મંત્રાલયના એક અન્ય અધિકારીએ કોર્ટને કહ્યુ હતુ કે, ઈસ્લામાબાદમાં ટાળી શકાય  નહીં તેવી સરકારી જવાબદારીને કારણે ગૃહ સચિવ આવી શક્યા નથી. ડેપ્યુટી એટોર્ની જનરલ તરફથી અરજી દાખલ કરવા માટે સમય માંગવામાં આવ્યો છે. જસ્ટિસ નક્વીએ અફસોસ વ્યક્ત કર્યો છે કે, એક સરકારી વ્યક્તિને બચાવવા માટે અધિકારીઓની ફોજ આવી ગઈ છે. પરંતુ કોર્ટની મદદ માટે એકપણ અધિકારી ઉપલબ્ધ નથી.

આતંકવાદી હાફિઝ સઈદના વકીલ એ. કે. ડોગરે દલીલ રજૂ કરી હતી કે, સરકારે જમાત-ઉદ-દાવાના નેતાઓને આશંકાઓ અને સાંભળેલી વાતોના આધારે નજરકેદ કર્યા છે. કોઈ કાયદા હેઠળ માત્ર આશંકા અને કલ્પના કોઈ પુરાવો બનતો નથી.

મુંબઈ હુમલાના માસ્ટમાઈન્ડ હાફિઝ સઈદ વિરુદ્ધ ભારત ઘણાં પુરાવા પાકિસ્તાનને સોંપી ચુક્યું છે. પરંતુ હાફિઝ સઈદની આતંકી પ્રવૃત્તિઓને પાકિસ્તાન છાવરી રહ્યું છે અને તેના પર કાર્યવાહી મામલે હંમેશા ઢીલું વલણ દાખવી રહ્યું છે. જોકે, આંતરરાષ્ટ્રીય દબાણની આગળ નમવા માટે મજબૂર બનેલી પાકિસ્તાનની સરકારે હાફિઝ સઈદને જાન્યુઆરીમાં નજરકેદ કર્યો હતો. પરંતુ તેની વિરુદ્ધ નક્કર કાર્યવાહીને લઈને હજીસુધી કોઈ ગંભીરતા ઈસ્લામાબાદ તરફથી દર્શાવવામાં આવી નથી. કદાચ પાકિસ્તાનના તમામ તંત્રો આતંકવાદી હાફિઝ સઈદને બચાવવાની કામગીરી કરી રહ્યા છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter