ગુજરાતમાં અહીં રોટલા દ્વારા અપાય છે વરસાદનો વરતારો

આધુનિક યુગમાં વરસાદની આગાહી ભલે વૈજ્ઞાનિક ઢબે થતી હોય. પરંતુ, જામનગર નજીક આવેલું એક ગામ છે કે, જયાં આજે પણ રોટલાથી વરસાદનો વરતારો આપવામા આવે છે. તમારા મનમાં જરુર સવાલ ઉભો થતો હશે કે રોટલાથી વરસાદનો કઈ રીતે વરતારો આપી શકાય.

આ છે જામનગર નજીક આવેલું આમરા ગામ. અષાઢ મહિનાનો પ્રથમ સોમવાર હોય એટલે ગામના આ ભમરિયા કૂવા પર આપોઆપ લોકો એકઠા થઈ જાય છે. કારણ કે, આજ દિવસે અહીં વરસાદનો વરતારો આપવામા આવે છે.

આ વરતારો કૂવામાં રોટલા નાખી વિચિત્ર રીતે આપવામા આવે છે. વરસાદના વરતારા માટે ગામના દલવાડીના ઘર પર રોટલા બનાવવામા આવે છે. ત્યારબાદ કુંભાર રોટલા લઈને કૂવા પર પહોંચે છે, વાણંદ રોટલા પધરાવનારને સ્નાન કરાવે છે અને ત્યારબાદ ક્ષત્રિય રોટલાને કુવામાં પધરાવે છે.

 

રોટલાને કૂવામાં પધરાવ્યા બાદ ગામના વડીલો રોટલાની દિશાનું નિરીક્ષણ કરે છે અને તેના આધારે નક્કી કરે છે કે વર્ષ કેવું નિવડશે. આ વર્ષની વાત કરીએ તો, રોટલા ઉગમણી અને ઈશાન દિશામાં જવાથી સારા ચોમાસાની આગાહી કરવામા આવી છે.

રોટલાનો વરતારો નક્કી થાય તે પહેલા ગામના પુરુષો ઢોલ સાથે ગામમાં નીકળે છે અને ગામના મંદિરો પર નાળીયેર વધેરી ધ્વજા ચઢાવે છે. ત્યારબાદ ઢોલ સાથે જ ગામના વેરાઈ માતાજીના મંદિર પર પહોંચે છે અને મંદિરની બાજુમાં આવેલા ભમરિયા કૂવામાં રોટલાને નાખે છે. ભમરિયા કુવામાં રોટલાને જયારે પધરાવવામા આવે છે ત્યારે આ દ્રશ્ય નિહાળવા માટે ગામના આબાલવૃદ્ધ સૌ કોઈ અહીં એકઠા થાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter