રાજ્ય સરકારની SKY યોજના, જાણો સરકારનો ખેડૂતો માટે શું છે પ્લાન ?

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય સૂર્યશકિત કિસાન યોજના – SKYની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી વર્ષ ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પમાં ગુજરાત સરકારનું આગવું કદમ સ્કાય કિસાન સમૃદ્ધિના નવા દ્વાર ખોલવાનું છે. છેલ્લા કેટલાય સમયથી ખેડૂત આંદોલન બાદ ચારેકોરથી ઘેરાયેલી ભાજપા સરકારે આખરે ખેડૂતના હિત માટે નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને ઊર્જા રાજ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આ સ્કાય યોજનાની ઉપયોગીતા અને વિશેષતાઓની વિસ્તૃત જાણકારી ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે આજે પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.

  • સમગ્ર દેશમાં સૌ પ્રથમ અમલ કરવાનું ગૌરવ ગુજરાતને મળશે
  • પોતાના જ ખેતરમાં સૌર ઊર્જા ઉત્પાદન સોલાર પેનલથી ખેડૂત કરી શકશે
  • ગુજરાતનો કિસાન ખેતી વિષયક વીજ વપરાશ બાદ વધતી સૌર ઊર્જા-વીજળી સરકારને વેચી આર્થિક સમૃધ્ધિ મેળવશે
  • સોલાર પેનલ માટેના કુલ ખર્ચના માત્ર પાંચ ટકા રકમ ખેડૂતે ભરવાની થશે
  • કેન્દ્ર-રાજ્ય સરકારની ૬૦ ટકા સબસીડી
  • રાજ્યના ખેડૂતોને ૧૨ કલાક વીજળી મળશે
  • સૌર ઊર્જા થકી ખેતરમાં દિવસે વીજળી-પાણી મળશે
  • રાજ્ય સરકાર ખેડૂત વતી ૩પ ટકા રકમની ૭ વર્ષ માટે સસ્તા વ્યાજની લોન લેશે
  • રાજ્યના તમામ ૩૩ જિલ્લાના ૧૩૭ ફીડર ‘સ્કાય’ પાયલોટ પ્રોજેકટમાં સમાવિષ્ટ
  • રાજ્ય સરકાર ૨૫ વર્ષ સુધી લાભાર્થી ખેડૂત પાસેથી વધારાની વીજળી ખરીદશે
  • સાત વર્ષ માટે રૂા. ૭ પ્રતિ યુનિટના ભાવે અને બાકીના ૧૮ વર્ષ માટે રૂા. ૩.૫૦ પ્રતિ યુનિટના ભાવે સરકાર વીજળી ખરીદશે
  • સ્કાય માટેનું ખેડૂતનું મૂડી રોકાણ વીજ વેચાણથી ૮ થી ૧૮ માસમાં જ તેને પરત મળી જશે

ઊર્જા મંત્રીશ્રીએ સૂર્યશકિત કિસાન યોજના SKYની વિશેષતાઓ વર્ણવતાં જણાવ્યું કે, રાજ્યમાં હાલ ખેડૂતોને જે ફીડર પરથી વીજળી મળે છે તે વીજ ઉત્પાદન માટે બિનપરંપરાગત સ્ત્રોત કોલસો, ગેસ, વગેરેનો ઉપયોગ થાય છે. હવે સૌર ઊર્જાથી ખેડૂતને તેના ખેતરમાં જ સીધી આ સોલાર એનર્જી મળતી થતાં પ્રદૂષણમુકત સ્વચ્છ ઊર્જા તેને મળશે.

કૃષિ વીજ જોડાણ ધરાવતા ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ યોજના બની રહેશે કેમ કે ખેડૂતના ખેતરમાં સૂર્યશકિતથી વીજ ઉત્પાદન મેળવવા સોલાર પેનલ આપવામાં આવશે તેની માલિકી ખેડૂતોની રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.તેમણે સૂર્યશકિત કિસાન યોજનાની વિગતવાર રૂપરેખા આપતાં કહ્યું કે,

  • કૃષિ વીજ જોડાણ ધરાવતા ખેડૂતો માટેની આ કિસાન હિતકારી યોજના છે.
  • ખેડૂતોને તેમના ખેતરમાં સૂર્યશકિતથી વીજ ઉત્પાદન મેળવવા સોલાર પેનલ આપવામાં આવશે
  • સ્કાય ફીડર પર અગાઉ કોઇપણ ખેડૂતે અરજી નોંધણી કરાવેલ હોય અને આ યોજનામાં જોડાવા ઇચ્છે, તો તેને તત્કાળ ધોરણે વીજ જોડાણ આપવામાં આવશે.
  • ફીડર પર આવતા બધા ખેડૂતો આ યોજનામાં જોડાય એ વધુ ફાયદાકારક રહેશે
  • ખેડૂતોએ ઓછામાં ઓછી કુલ ખર્ચની પાંચ ટકા રકમ ભરપાઇ કરવાની રહેશે પરંતુ વધારે રકમ ભરવી હોય તો તે ભરી શકશે. જેટલી રકમ વધારે ભરશે તેટલી લોન ઓછી લેવાની થશે અને તેને કારણે આવક વધુ થશે
  • કેન્દ્ર અને રાજ્ય સરકાર ૬૦ ટકા રકમ સબસીડી પેટે ચૂકવશે.
  • ખેડૂત વતી રાજ્ય સરકાર બાકીની ૩પ ટકા રકમ સસ્તા વ્યાજની લોન પેટે લેશે.
  • લોનનો સમયગાળો ૭ (સાત) વર્ષનો રહેશે.
  • એક હોર્સ પાવર દીઠ સવા કિલોવોટની સોલાર પેનલ આપવામાં આવશે. (એટલે કે ૧૦ હો.પા.ના જોડાણ માટે ૧ર.પ કિલોવોટની પેનલ અપાશે)
  • પ્રતિ કિલોવોટ સોલાર ક્ષમતા મુજબ ૧૦ x ૧૦ ફુટ જગ્યાની આવશ્યકતા રહેશે
  • જો કોઇ ખેડૂત વધારે કિલોવોટની પેનલ લગાવવા ઇચ્છતા હોય, તો નિયમોને આધિન રહી મંજૂરી અપાશે.
  • વધારાની પેનલોથી ઉત્પન્ન થતી વીજળી રૂા. ૩.પ૦ પ્રતિ યુનીટના દરથી ખરીદવામાં આવશે. અને તેના પર રાજ્ય સરકારની સબસીડી મળવાપાત્ર થશે નહી.
  • સ્કાય ફીડર દીઠ યોજનામાં જોડાતા ખેડૂતોની સમિતિ બનાવવાની રહેશે.
  • સ્કાય ફીડર ઉપર દિવસે ૧ર કલાક વીજળી મળશે, પરંતુ જે ખેડૂત આ યોજનામાં નહી જોડાય        તેને ૮ (આઠ) કલાક વીજ પુરવઠો મળશે.
  • વીજળીનું જે ઉત્પાદન થાય અને વપરાશ કર્યા બાદ જે યુનિટ ગ્રીડમાં આવે તે યુનિટ દીઠ પહેલાં સાત વર્ષ માટે રૂા. ૭/- પ્રતિ યુનિટ ખેડૂતને ચૂકવવામાં આવશે.
  • જે પૈકી રૂા. ૩.પ૦ પ્રતિ યુનિટ વીજ વિતરણ કંપની ચૂકવશે.
  • અને બાકીના રૂા. ૩.પ૦ પ્રતિ યુનિટ (૧૦૦૦ યુનિટ પ્રતિ કિ.વો. પ્રતિ વર્ષની મર્યાદામાં) ખેડૂતને રાજ્ય સરકાર સબસીડી રૂપે ચૂકવાશે.
  • આવી કુલ રકમમાંથી ખેડૂતની લોનનો હપ્તો ભરપાઇ થયા બાદ જે બચત થશે તે ખેડૂતના બેન્ક ખાતામાં સીધી જમા કરાવવામાં આવશે.
  • ૭ વર્ષના લોનનો સમય પૂરો થયા બાદ બાકીના ૧૮ વર્ષ સુધી ગ્રીડમાં અપાતી વીજળીના પ્રતિ યુનિટ માટે ખેડૂતને વીજ વિતરણ કંપની દ્વારા રૂા. ૩.૫૦ પ્રતિ યુનિટ ચૂકવવામાં આવશે.
  • વીજ બિલમાં રાહત મળશે
  •  ગ્રીડમાં વધારાની વીજળી વેચવાથી ખેડૂતને કાયમી આવક મળશે
  • દિવસ દરમ્યાન ૧ર કલાક વીજ પુરવઠો મળી રહેશે
  • લોન ભરપાઇ થયા પછી સોલાર સિસ્ટમની માલિકી ખેડૂતની થશે
  • સોલાર પેનલનો વીમો રાજ્ય સરકાર લેશે
  • સોલાર સિસ્ટમ માટે ૭ વર્ષ માટે ગેરંટી તથા મેઈન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવશે
  • સોલાર પેનલની જગ્યા નીચેની જમીન પર પાક પણ લઇ શકાશે. પેનલની ઊંચાઇ   વધારવી હોય તો પણ વધારી શકાશે.
  • ઊર્જા મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે આ સ્કાય યોજનાના પાયલોટ પ્રોજેકટ તરીકે રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓના ૧૩૭ ફીડરનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે.
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter