સોના-ચાંદી બજારમાં ઉછાળો, કિંમતી ધાતુઓના ભાવમાં પણ થયો વધારો

સોના-ચાંદી બજાર ગઈ કાલે રવિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી પરંતુ બંધ બજારે ભાવો ઉછળ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં શુક્રવારે મોડી રાત્રે સોના- ચાંદીના ભાવોમાં ઝડપી ઉછાળો આવ્યાના સમાચારો હતા તથા તેની અસર ઝવેરીબજારોમાં શનિવારે  જોવા મળી હતી.

વિશ્વ બજારમાં સોનાના ભાવોના ૧૨૮૨થી ૧૨૮૨.૫૦ ડોલરવાળા ઉછળી ભાવો ૧૨૯૦ પાર કરી ૧૨૯૪.૮૦થી ૧૨૯૨.૪૫ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ આયાત પડતર વધી જતાં કિંમતી ધાતુઓના ભાવ ઝવેરીબજારમાં આજે ઉંચા બોલાતા થયા હતા.  વિશ્વબજારમાં ચાંદીના ભાવો પણ સોના પાછળ વધી ગયાના નિર્દેશો હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે સોનાના ભાવો બંધ બજારે ૧૦ ગ્રામ દીઠ ૯૯.૫૦ના રૂ.૨૯૪૬૦ વાળા રૂ.૨૯૬૫૦થી ૨૯૭૦૦ આસપાસ બોલાતા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવો રૂ.૨૯૬૧૦ વાળા ઉછળી આજે બંધ બજારે રૂ.૨૯૮૦૦થી ૨૯૮૫૦ બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, જીએસટી સાથેના સોના ભાવો આ ભાવો કરતાં આશરે ત્રણ ટકા જેટલા ઉંચા બોલાઈ રહ્યા હતા. દરમિયાન, મુંબઈમાં આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૂ.૩૯૫૯૦ વાળા ઉછળી રૂ.૪૦ હજાર પાર કરી રૂ.૪૦૧૦૦ સુધી બોલાયા હતા જ્યારે જીએસટી સાથેના ભાવો રૂ.૪૧ હજાર પાર કરી રૂ.૪૧૧૦૦ આસપાસ બોલાઈ રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

વિશ્વબજારમાં આજે ચાંદીના ભાવો ઔંશના ૧૭.૦૬ ડોલરવાલા ઉછળી ૧૭.૩૪થી ૧૭.૩૫ થઈ છેલ્લે ભાવો ૧૭.૩૧થી ૧૭.૩૨ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વબજારમાં ડોલર ઘટતાં સોનામાં હેજફંડોની લેવાલી વધ્યાના સમાચારો હતા. અમેરિકાથી પ્રમુખ પદની ચૂંટણી વખતે પડદા પાછળ રશિયાએ ભાગ ભજવ્યાની વાતો બહાર આવતાં તથા આ પ્રશ્ને તપાસ શરુ થતાં વિશ્વબજારમાં ડોલરના ભાવો દબાણ હેઠળ આવ્યાની ચર્ચા હતી. દરમિયાન, વિશ્વબજારમાં ક્રુડ તેલના ભાવો પણ બેથી અઢી ટકા ઉછળતાં તેની અસર પણ સોનાના ભાવો પર પડી હતી એવું તજજ્ઞોએ જણાવ્યું હતું.

સોના પાછળ અન્ય કિંમતી ધાતુઓ પણ ઉંચકાઈ છે. વિશ્વબજારમાં ઔંશદીઠ પેલેડીયમના ભાવો વધી છેલ્લે ૯૯૬.૬૫થી ૯૯૬.૭૦ ડોલર રહ્યા હતા જ્યારે પ્લેટીનમના ભાવો વધી છેલ્લે ૯૫૧.૯૦થી ૯૫૧.૯૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા. ક્રુડતેલના ભાવો વધી વિશ્વબજારમાં બેરલદીઠ છેલ્લે બ્રન્ટ ક્રુડના ૬૨ ડોલર પાર કરી ૬૨.૭૧થી ૬૨.૭૨ ડોલર રહ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવો વધી છેલ્લે ૫૬.૫૪થી ૫૬.૫૫ ડોલર રહ્યા હતા. ક્રુડતેલના વિવિધ ઉત્પાદક દેશો ઉત્પાદન કાપનો અમલ લાંબો સમય ચાલુ રહે એ દિશામાં સક્રિય પ્રયત્નો કરી રહ્યાના નિર્દેશો હતા.

આજે દિલ્હી ઝવેરીબજારમાં સોનાના ભાવો ૧૦ ગ્રામના રૂ.૩૨૫ ઉછળ્યા હતા. જ્યારે ચાંદીના ભાવો કિલોના રૂ.૬૦૦ ઉછળ્યા હતા. દિલ્હીમાં આજે સોનાના ભાવો જીએસટી સાથે વધી ૧૦ ગ્રામદીઠ ૯૯.૫૦ના રૂ.૩૦૬૨૫ તથા ૯૯.૯૦ના રૂ.૩૦૭૭૫ બોલાયા હતા.  જ્યારે ત્યાં ચાંદીના ભાવો આજે જીએસટી સાથે હાજરમાં વધી રૂ.૪૧૧૫૦ રહ્યા હતા જ્યારે વિકલી ડિલીવરીમાં ત્યાં ચાંદીના ભાવો આજે રૂ.૫૬૦ વધી રૂ.૪૦૧૫૦ બોલાયા હતા. ત્યાં ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો રૂ.૭૪થી ૭૫ હજાર બોલાઈ રહ્યા હતા.

વિશ્વબજારમાં કોપરના ભાવો સપ્તાહના અંતે ત્રણ મહિનાની ડિલીવરીના વધી ૬૭૭૭ ડોલર, એલ્યુમિનિયમના ૨૧૦૪ ડોલર, જસતના ૩૧૮૦ ડોલર, ટીનના ભાવો ૧૯૪૭૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા. ન્યુયોર્કમાં છેલ્લે કોપરના ભાવો વધી રતલના ૩૦૯.૧૦ ડોલર રહ્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter