ગીર સોમનાથના મોટા ડેસર ગામમાં વિકાસ રૂંધાયો, શૌચાલય કૌભાંડમાં સરપંચ સસ્પેન્ડ

ગીર સોમનાથ જિલ્લાના મોટા ડેસર ગામમાં વિકાસ રૂંધાયો છે. શૌચાલય કૌભાંડમાં સરપંચને સસ્પેન્ડ કરાયા બાદ ગ્રામપંચાયતનો કોઈ રણીધણી નથી. મોટા ડેસર ગામમાં પ્રાથમિક શાળા આંગણવાડીઓ બિસ્માર બની છે તો ગામમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. અને આખુ ગામ ગંદકીથી ખદબદી રહ્યું છે.

ગીર સોમનાથ જિલ્લામાં ઊના તાલુકાનું મોટા ડેસર ગામમાં સાડા છ હજાર લોકની વસતી છે. મોટા ડેસર ગામમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાયેલા છે. હાલ વરસાદ ન હોવા છતાંય પાણીનો નિકાલ થયો નથી. તો જ્યાં ત્યાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. અહીં આસપાસમા ચાર ગામના ધો.9 અને ધો.10ના 190 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. પણ નવાઈની વાત એ છે કે ગામમાં માધ્યમિક શાળા જ નથી. તેથી આ વિદ્યાર્થીઓને ગામની પ્રથમિક કન્યા શાળામાં અભ્યાસ કરવા બેસાડવામાં આવે છે. તો કુમાર શાળા જર્જરિત હાલતમાં છે. જે પડુ પડુ થઈ રહી છે. તેમ છતાં જીવના જોખમે બાળકો અને શિક્ષકો આવે છે.

સાડા છ હજારની વસતી હોવા ઠતાં ગામનું પોતાનું પંચાયત ઘર જ નથી. હાલ જૂની કન્યા શાળાના એક ઓરડામાં ગ્રામ પંચાયતનો ઓફિસ તરીકે કામચલાઉ ઉપયોગ કરવામાં આવે છે. આ ગામમાં શૌચાલય કૌભાંડમાં સરપંચને સસ્પેન્ડ કર્યાના બે મહિના બાદ પણ ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપાયો નથી. જેને કારણે કોઈ વહીવટીય નિર્ણય લેવાતા નથી કે કોઈ કામ થતાં નથી. જેને કારણે ગ્રામજનોના પ્રશ્નોનો કોઈ નિકાલ આવતો નથી.

બે વર્ષથી મળેલા રાજીવ ગાંધી ભવનનું કામ અટકેલું છે. તો કોમ્યુનિટી હોલ છેલ્લાં 10 વર્ષથી જર્જરિત હાલતમાં છે. ગામમાં ચાર આંગણવાડી આવેલી છે. પણ આસપાસમાં ગંદકીને કારણે બાળકોના આરોગ્ય સામે ખતરો મંડરયો છે. એક આંગણવાડી પડાળીયા રહેણાંક મકાનમાં ચાલે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter