જૈનેરિક સ્ટોર્સ : સરકાર દ્વારા ખાનગી કંપનીને ઠરાવ, કોંગ્રેસે આ આરોપ લગાવ્યો

દર્દીઓને સસ્તા ભાવે દવાઓ મળી રહે તેવા આશયથી ગુજરાતમાં 52 દિન-દયાળ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. ભાગીદાર કંપની સાથે મળીને સરકાર આ સ્ટોર્સ ચલાવી રહી હોવા છતાં તેમાં ખોટ જઈ રહીં હોવાનું કહીને આ સ્ટોર્સ ખાનગી કંપનીને ચલાવવા આપી દેવાનો ઠરાવ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

સસ્તા ભાવે દવાઓ મળે તેવા આશયથી શરુ કરાયેલ જન ઔષધી કેન્દ્રોના સ્ટોર્સનું સંચાલન હવે ખાનગી કંપનીને આપી દેવા માટેનો ઠરાવ રાજ્ય સરકાર દ્વારા કરાયો છે. આ ઠરાવ એવું જણાવીને કરવામાં આવ્યો છે કે તેનો નિભાવ ખર્ચ ખુબ જ વધી ગયો છે. લોકો જન ઔષધી કેન્દ્રોમાં મળતી એટલે કે જેનેરિક દવાઓનો ઉપયોગ વધારે તે માટે ૧૨ કરોડ રૂપિયા જાહેરાત કરી 52 કેન્દ્રો ઉભા કરવા માટે ૪૨ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જે બાદ હવે આ સ્ટોર્સ ચાલતા ન હોવાનું જણાવીને અત્યાર સુધી સપ્લાયર્સની ભૂમિકામાં સરકાર સાથે રહેનાર કંપની એચ.એલ.એલને જ સરકાર દ્વારા સ્ટોર્સની માલિકી આપી દેવામાં આવી છે.

કોંગ્રેસનો આક્ષેપ રહ્યો છે કે જન ઔષધી કેન્દ્રોમાં પહેલાથી કેટલીક દવાઓ મળતી ન હતી. એવામાં હવે પ્રાઇવેટ કંપનીને હવાલો અમ્રિત યોજનાના બ્રાઉનફિલ્ડ હેઠળ આપવામાં આવ્યો છે. સરકાર કરોડોનો ખર્ચ કર્યા બાદ પોતાના માનીતાઓને સંચાલન આપીને ખિસ્સા ભરવા માંગે છે. ઠરાવની અંદર જે શરતો દર્શાવવામાં આવી છે તેમાં પણ ભાડુ નહીંવત કહી શકાય એવું પ્રતિ ચોરસ ફૂટ 10 રૂપિયા રાખવામાં આવ્યું છે. સાથે જ તેમને જેનેરિક દવાઓ ઉપરાંત સર્જીકલ આઈટમો, ઓટીસી પ્રોડક્ટ સહિતની વસ્તુઓ વેચવા માટેનો પરવાનો આપવામાં આવ્યો છે. સરકારના આ ઠરાવ બાદ કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે પોતાના મળતીયાઓને લાભ આપવા માટે સરકાર દ્વારા આમ કરવામાં આવી રહ્યું છે.

જેનેરિક દવાઓના સ્ટોર્સમાંથી દર્દીઓને સસ્તા ભાવે દવાઓ મળતી હોય છે, પરંતુ બધી જ દવાઓ પ્રાપ્ત ન થતી હોવાનાં આક્ષેપો વારંવાર થતા રહ્યા છે. ત્યારે પ્રાઈમ લોકેશન વાળા સ્ટોર્સ ખાનગી કંપનીને વિવિધ યોજનાઓ થકી સોંપી દઈને સરકાર દર્દીઓને કેવી રીતે લાભ પહોંચાડશે તે અંગે સરકારના નિર્ણય સામે કોંગ્રેસ પ્રશ્નો ઉભા કરી રહ્યું છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter