દલવીર ભંડારીને યુએન મહાસભામાં મળી બહુમતી, UNSCમાં ચૂંટણી અટવાઈ

આંતરરાષ્ટ્રીય અદાલતમાં ન્યાયાધીશ તરીકે બીજા કાર્યકાળ માટે ભારતીય ન્યાયાધીશ દલવીર ભંડારીની ચૂંટણી અટવાઈ ગઈ છે. એક બેઠક પર ચૂંટણી માટે ભારતે દલવીર ભંડારી અને બ્રિટનના ક્રિસ્ટફર ગ્રીનવુડ વચ્ચે સોમવારે પણ ચૂંટણી પરિણામવિહીન રહી હતી.

મહત્વપૂર્ણ બાબત એ છે કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બહુમતી ભારતીય ન્યાયાધીશની સાથે છે. પરંતુ બ્રિટનના સુરક્ષા પરિષદમાં હોવાના નાતે પી-5 સમૂહ માર્ગમાં રોડા નાખી રહ્યો છે. આ ગતિવિધિથી બે વાત સ્પષ્ટ છે કે ભારત જેવા દેશો માટે મોટો પાવર શિફ્ટ થયો છે અને તેને રોકી શકાશે નહીં. બીજી બાબત એ પણ સ્પષ્ટ થઈ રહીં છે કે પરિવર્તનને સ્વીકારવા માટે મહત્વપૂર્ણ સંગઠન તૈયાર નથી.

સંયુક્ત રાષ્ટ્રના સિત્તેર વર્ષના ઈતિહાસમાં પી-5 ગ્રુપનો કોઈપણ સદસ્ય દેશ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ગેરહાજર રહ્યો નથી. હવે આખરે બે ઉમેદવારો માટે સીધો મુકાબલો સર્જાયો છે. આખરી તબક્કાના મતદાનમાં ભંડારીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 121 વોટ મળ્યા હતા. જ્યારે ગત તબક્કાના મતદાનમાં તેમને 116 વોટ મળ્યા હતા. ભંડારીના વોટ વધવા ભારત માટે બહુપક્ષીય કૂટનીતિ માટે એક પુરષ્કારની જેમ છે. જ્યારે ગ્રીનવુડના વોટ ગત વખતના 76 વોટથી ઘટીને 68 થયા હતા. મહાસભામાં પૂર્ણ બહુમતી માટે 97 વોટની જરૂર હોય છે. જો કે મામલો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અટવાયો છે. ભારતીય ઉમેદવારને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 6 વોટ અને યુકેના ઉમેદવારને નવ વોટ મળ્યા છે.

તાજેતરની ચૂંટણીથી સ્પષ્ટ થઈ ચુક્યું છે કે, ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાનું સમર્થન ગુમાવ્યું નથી અને પી-5 દેશ પોતાનામાંથી કોઈ ઉમેદવારને છોડવા માટે તૈયાર નથી. સામાન્ય પરિસ્થિતિઓમાં ભંડારીના પક્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એક અથવા બે વોટ મળી શકે તેમ હતા. પરંતુ પી-ફાઈવ સમૂહને દાશ પોતાની પરિસ્થિતિમાં પરિવર્તન માટે તૈયાર દેખાઈ રહ્યા નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે પી-ફાઈવની બહાર રહેલા ભારતે યુકેની દાવેદારીને રોકી રાખી છે.

ભારતે દેખાડયું છે કે લાંબા સમય સુધી પી-5નું વર્ચસ્વ રહીં શકશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભંડારીને ફરીથી ચૂંટવા માટે સતત અભિયાન ચલાવ્યું છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના મુખ્ય સદસ્યો સાથે શિખર સંમેલનોમાં આ મામલાને ઉઠાવ્યો છે. પરંતુ ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં પ્રવેશની જેમ ભારતને અહીં પણ અડચણનો સામનો કરવાનો વારો આવ્યો છે.

કોંગ્રેસના નેતા શશી થરુરે આરોપ લગાવ્યો છે કે, બ્રિટન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બહુમતીની ઈચ્છાને બાધિત કરવાની કોશિશ કરી રહ્યું છે. આઈસીજેની પંદર સદસ્યોની ખંડપીઠમાં એક તૃતિયાંશ સદસ્યો દર ત્રણ વર્ષે નવ વર્ષના કાર્યકાળ માટે ચૂંટાય છે. તેના માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અને સુરક્ષા પરિષદમાં એક જ સમયે અલગ –અલગ મતદાન કરાવવામાં આવે છે.

આઈસીજેમાં ચૂંટણી માટે મેદાનમાં ઉતારેલા છમાંથી ચાર ઉમેદવારો સંયુક્ત રાષ્ટ્રના કાયદા પ્રમાણે ગત ગુરુવારે ચૂંટાયા હતા અને તેમણે મહાસભા તથા સુરક્ષા પરિષદ બંનેમાં પૂર્ણ બહુમતી મળી છે. આઈસીજેના બાકીના એક ઉમેદવારની પસંદગી ટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અને સુરક્ષા પરિષદે સોમવારે અલગ-અલગ બેઠકો કરી છે. સુરક્ષા પરિષદમાં ચૂંટણીના પાંચ તક્કામાં ગ્રીનવુડને વધારે વોટ મળ્યા છે.

સુરક્ષા પરિષદમાં બહુમતી માટે આઠ વોટની જરૂર હોય છે. બ્રિટન સુરક્ષા પરિષદનું કાયમી સદસ્ય છે. ગ્રીનવુડ, ભંડારીની સરખામણીએ ફાયદાની સ્થિતિમાં છે. જ્યારે ભંડારી મહાસભાના તમામ પાંચેય તબક્કામાં પૂર્ણ બહુમતી મેળવવામાં સફળ રહ્યા છે. આઈસીજેની આ બેઠકમાં ચૂંટણીનું પરિણામ નિશ્ચિત નહીં થઈ શક્યું હોવાથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અને સુરક્ષા પરિષદની બેઠકને કોઈ અન્ય તારીખ પર ઠેલવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારી થરુરે કહ્યુ છે કે, મહાસભાના અવાજને વધુ લાંબા સમય સુધી અવગણી શકાય નહીં.

તેમણે એક ટ્વિટમાં કહ્યુ છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને મહાસભાએ ભારતીય અને બ્રિટનના ઉમેદવારો વચ્ચે આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયાધીશની ચૂંટણી માટે મતદાન કર્યું છે. જેમાં સંયુક્ત રાષ્ટ્રની કાયદેસરતા અને અસરકારતા દાવ પર છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનો અવાજ લાંબા સમયથી અવગણવાનું ચાલી રહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter