દ.આફ્રિકાએ બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 340 રનથી હરાવ્યું

ઝડપી બોલર વર્નોન ફિલેન્ડર અને સ્પિનર કેશવ મહારાજની 3-3 વિકેટની મદદથી દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે 340 રનથી કારમી હાર આપી હતી. આ સાથે બંને ટીમો ચાર મેચની સિરીઝમાં 1-1ની બરાબરી પર પહોચી છે. ઇંગ્લેન્ડની સામે 474 રનનો મોટો લક્ષ્યો હતો ત્યારે તેની ટીમે માત્ર 44.2 ઓવરમાં 133 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમે રનોની દ્રષ્ટિએ પોતાની ચોથી સૌથી મોટી જીત હાંસલ કરી છે.

દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 335 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 205 રન બનાવ્યા હતા. જો કે, બીજી ઇનિંગ્સમાં પણ દક્ષિણ આફ્રિકાએ બેટસમેનોના દમ પર 343 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ આપેલા 474 રનના જંગી લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમ ચોથા દિવસે જ 44.2 ઓવરમાં 133 રન બનાવી ઓલઆઉટ થઇ હતી.

ઇંગેલન્ડ તરફથી બીજી ઇનિંગ્સમાં ઓપનર બેટસમેન એલિસ્ટર કૂકે 42 રન બનાવ્યા હતા. જ્યારે મોઇન અલીએ 27, બેન સ્ટોક્સે 18, જ્હોની બેટસ્ટોએ 16 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાયના બેટસમેન દક્ષિણ આફ્રિકાના બોલિંગ આક્રમણ સામે ટકી શક્યા ન હતા.

દક્ષિણ આફ્રિકા તરફથી ફિલેન્ડર અને કેશવ મહારાજને 3-3 વિકેટ તેમજ ક્રિસ મોરિસ અને ડુઆને ઓલિવિયરને 2-2 વિકેટ મળી હતી.

ઉલ્લેખનીય છેકે, દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિંગ્સમાં ડીન એલ્ગરના 80, હાશિમ અમલાના 87 અને કપ્તાન ફાફ ડૂ પ્લેસીના 63 રનની મદદથી 9 વિકેટ ગુમાવી 343 રન બનાવ્યા હતા.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter