ધનતેરસ પર ખરીદીના મુહૂર્ત: જાણો કયા સમયે થશે ખરીદી

ધનતેરસના સામાન્ય રીતે કોઈ નવી વસ્તુ ખરીદવા માટે ઉત્તમ મુહૂર્ત ગણવામાં આવે છે. લોકો વાહનથી લઇને ઘરેણાં સુધીની વસ્તુઓ આ ઉત્તમ દિવસે ખરીદે છે. જોકે મુહૂર્ત શાસ્ત્ર કહે છે કે, દરેક કાર્ય અને ક્રિયા માટે એક વિશેષ સમય હોય છે. જો આ સમયે તે કામ કરવામાં આવે તો તેનાથી ખૂબ સફળતા મળે છે. આ વખતે ધનતેરસ મંગળવારે હોઇ માન્યતા મુજબ સોનું,ચાંદી અને વાહન ખરીદવા માટે ઉત્તમ છે.

અમૃત અને શુભ ચોઘડીયામાં જ આ વસ્તુ ખરીદો:

આ ધનતેરસ પર તમે વાહન ખરીદવા ઇચ્છો છો તો અમૃત અથવા ચર ચોઘડીયામાં ખરીદો, ચાંદી ખરીદી રહ્યા હોવ તો તેને અમૃત ચોઘડીયામાં ખરીદો જ્યારે સોનાના ઘરેણાં ખરીદી માટે અમૃત અને શુભ ચોઘડીયું ઉત્તમ ગણાય છે.

હીરાના ઘરેણાં:

હીરાના ઘરેણાં ખરીદવા માટે શુભ અને ઉત્તમ ચોઘડીયાની પસંદગી કરો. સ્ટીલના વાસણો શુભ ચોઘડીયામાં ખરીદવા જોઇએ. તાંબાના વાસણ લાભ ચોઘડીયામાં અને પિત્તળના પાત્ર શુભ અને અમૃત ચોઘડીયામાં ઘરે લાવવા જોઇએ.

ટીવી, ફ્રિજ ખરીદવાનો શુભ સમય:

ઇલેક્ટ્રોનિક આઇટમ લાભ અને ચર ચોઘડીયામાં ઘરે લાવો. સંપત્તિ સંબંધિત વ્યવહાર શુભ અથવા તો અમૃત ચોઘડીયામાં કરો. ભૂલથી પણ ઘનતેરસની ખરીદી રોગ અથવા તો ઉદ્વેગ ચોઘડીયામાં ન કરો.

સવારે 6:30થી 9:30 સુધી રોગ અને ઉદ્વેગ ચોઘડીયા છે. આ સમયમાં ખરીદી કરવાથી રોગ અને કષ્ટ વધવાની શક્યતા રહેલી છે. જે લોકો વાહન ખરીદવા ઇચ્છે છે તે લોકો માટે 9:30થી 11 વાગ્યા સુધીનો સમય ઉત્તમ છે. ત્યાર બાદ 2 વાગ્યા સુધીનો સમય શુભ છે કેમકે આ વચ્ચે લાભ અને અમૃત ચોઘડીયા છે.

સાંજે 3:30થી 5 વાગ્યા સુધી અને રાતે 11થી 12:30 સુધી શુભ ચોઘડીયામાં સ્ટીલ અને પિત્તળના વાસણો ખરીદવા લાભદાયી રહેશે. દિવસે 12:30 મિનિટથી 2 વાગ્યા સુધી અને રાતે 12:30 મિનિટથી 2 વાગ્યા સુધી ચાંદીની ખરીદી માટે ઉત્તમ છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter