કોમનવેલ્થ હૉકીની પ્રથમ મેચમાં ભારત પાકિસ્તાન સામે રમશે

ગત વર્ષની સિલ્વર મેડલ વિજેતા ભારતીય ટીમ 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સની પુરુષ હોકી સ્પર્ધાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયામાં રમશે.

આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ દ્વારા મંગળવારે જારી કરવામાં આવેલા શિડ્યુલ અનુસાર, એશિયન ચેમ્પિયન ભારત પુલ બી માં છે. જેમાં પાકિસ્તાન ઉપરાંત ગત વર્ષની બ્રોન્ઝ મેડલ વિજેતા ટીમ ઇંગ્લેન્ડ, મલેશિયા અને વેલ્સ પણ છે. પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, કેનેડા અને સ્કોટલેન્ડ પુલ એ માં છે. ભારતીય ટીમ સાત એપ્રિલે પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમશે. ત્યાર બાદ આઠ એપ્રિલે વેલ્સ સામે, મલેશિયા સામે 10 એપ્રિલે અને 11 એપ્રિલે ઇંગ્લેન્ડ સામે રમશે.

જ્યારે ભારતીય મહિલા હોકી ટીમને પુલ એ માં સિલ્વર મેડલ વિજેતા ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, મલેશિયા અને વેલ્સની સાથે રાખવામાં આવી છે. તો વળી, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સ્કોટલેન્ડ, કેનેડા અને ઘાના પુલ બી માં છે. ભારતીય મહિલા ટીમ પાંચ એપ્રિલે વેલ્સ સામે રમશે. ત્યાર બાદ મલેશિયા સામે છ એપ્રિલે, ઇંગ્લેન્ડ સામે આઠ એપ્રિલે અને 10 એપ્રિલે દક્ષિણ આફ્રિકા સામે રમશે.

મહિલા અને પુરુષ બંને વર્ગમાં દરેક પુલમાંથી બે ટોચની ટીમો સેમીફાઇનલમાં પહોંચશે. જ્યારે બાકી ક્લાસિફિકેશન મેચ રમશે. મહિલા સેમીફાઇનલ 12 એપ્રિલે અને પુરુષ વર્ગની 13 એપ્રિલે રમાશે. કાંસ્ય મેડલ માટેનો મુકાબલો 14 એપ્રિલે રમાશે. કોમનવેલ્થ ગેમ્સ પાંચથી 14 એપ્રિલ સુધી ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાશે. ઉલ્લેખનીય છે કે, પુરુષ વર્ગમાં ઓસ્ટ્રેલિયા કોમનવેલ્થ ગેમ્સમાં પાંચ વખત ખિતાબ જીતી ચૂકી છે. એશિયન ચેમ્પિયન ભારત ગત બે વખત રજત મેડલ વિજેતા રહ્યું છે. મહિલા વર્ગમાં ઓસ્ટ્રેલિયાને પોતાની ધરતી પર રમવાનો ફાયદો મળશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter