ભાવુક થયેલા CM યોગીએ કહ્યું- બાળકો માટે મારાથી વધારે સંવેદનશીલ કોઇ ન હોઇ શકે

ગોરખપુરની બીઆરડી હોસ્પિટલની ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મુલાકાત લીધી છે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને બીઆરડી હોસ્પિટલની ખૂબ સારી રીતે સાફ-સફાઈ કરાઈ હતી. ઓક્સિજનની સપ્લાઈને દુરસ્ત કરવા માટે લિક્વિડ ઓક્સિજનની બે ટેન્કરો અને ઓક્સિજનના 100થી વધારે સિલિન્ડરો પણ મંગાવવામાં આવ્યા હતા.

યોગી આદિત્યનાથ સાથે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડા પણ ગોરખપુરની હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. મુલાકાત બાદ યોગી આદિત્યનાથે પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઘટનાથી ચિંતિત છે અને શક્ય તમામ મદદ આપવાનો તેમણે ભરોસો આપ્યો છે. વડાપ્રધાન મોદીએ આરોગ્ય પ્રધાનને પણ ગોરખપુર મોકલ્યા છે. આખા મામલાની તપાસ જરૂરી છે.

યોગી આદિત્યનાથે કહ્યું છે કે ઈન્સેફેલાટિસ વિરુદ્ધની લડાઈ વધુ તીવ્ર બનાવવામાં આવશે. તેઓ મુખ્યપ્રધાન બન્યા બાદ અત્યાર સુધીમાં 4 વખત બીઆરડી હોસ્પિટલ આવી ચુક્યા છે. 9 જુલાઈએ તેમણે પગાર નહીં મળવાની સમસ્યાઓને ઉકેલી હતી. 9 ઓગસ્ટે પણ તેઓ અહીં આવ્યા હતા અને તેમણે પાંચ મુખ્ય સચિવોને પણ અહીં બોલાવ્યા હતા. તેઓ ઈચ્છે છે કે દરેક પત્રકાર વોર્ડની અંદર જઈને ખુદ પરિસ્થિતિ જોઈ લે અને સચ્ચાઈને ચકાસી લે.

યોગી આદિત્યનાથે કહ્યું છે કે 1996-97થી તેઓ આ લ઼ડાઈ લડી રહ્યા છે. આ બાળકો માટે તેમનાથી વધારે કોઈ અન્ય સંવેદનશીલ હોઈ શકે નહીં. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું છે કે તેમણે ઈન્સેફેલાઈટિસ વિરુદ્ધ સડકથી સંસદ સુધી લડાઈ લડી છે. પત્રકાર પરિષદમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ભાવુક પણ થયા હતા.

તેમણે કહ્યું હતું કે યુપીના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં તપાસ થઈ રહી છે. દોષિતોને બક્ષવામાં નહીં આવે તથા તપાસ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. કમિટી મોતના કારણોને સામે લાવશે. માત્ર ગોરખપુર જ નહીં આખા ઉત્તર પ્રદેશમાં મૃત્યુની જવાબદેહી નક્કી થશે.

તેમણે મીડિયાકર્મીઓ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું હતું કે બહાર બેસીને ફેક રિપોર્ટિંગ નહીં પણ જનતાની સામે સચ્ચાઈ આવવી જોઈએ. તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે કે ગોરખપુરમાં ફૂલ ફ્લેજ્ડ વાયરસ રિસર્ચ સેન્ટર હોવું જોઈએ. તેના માટે તેમણે કેન્દ્રીય આરોગ્ય પ્રધાનને અનુરોધ કર્યો છે. તેમના તરફથી એક પહેલ પણ થઈ છે.

ઉત્તરપ્રદેશના ગોરખપુરની બીઆરડી હોસ્પિટલમાં બાળકોના મોતનો ઘટનાક્રમ ચાલુ છે. મગજના તાવને કારણે વધુ એક બાળકનું મોત નીપજ્યું છે. મૃતક બાળકની ઉંમર 4 વર્ષની હતી. ગોરખપુરની બીઆરડી હોસ્પિટલમાં 7 દિવસમાં મૃત્યુઆંક 64 પર પહોંચ્યો છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડાએ ગોરખપુરની બીઆરડી હોસ્પિટલની મુલાકાત લીધી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter