ચીન દ્વારા ભારતના પાડોશી દેશોમાં જ સૌથી વધુ શસ્ત્રોનું થાય છે વેંચાણ

ચીન દ્વારા ભારતના પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાંમારને સૌથી વધારે શસ્ત્રોની નિકાસ કરવામાં આવે છે. 2013થી 2017 વચ્ચે પાકિસ્તાનને ચીનના કુલ હથિયારોના વેચાણના 35 ટકા શસ્ત્રોનું વેચાણ કરવામાં આવ્યું છે. જો કે પાકિસ્તાનને અમેરિકાના શસ્ત્ર વેચાણમાં 76 ટકાનો ધરખમ ઘટાડો પણ નોંધાયો છે.

સ્ટોકહોલ્મ ઈન્ટરનનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના તાજેતરના આંકડા ચીનના હથિયાર વેચાણની પેટર્નને લઈને ભારત માટે ખાસ નિસ્બત ધરાવે છે. ચીન દ્વારા રાઈફલ્સથી માંડીને કોમ્બેક્ટ એરક્રાફ્ટ અને વોરશિપ્સ સુધીના હથિયારોનું સૌથી વધુ વેચાણ ભારતના પાડોશી દેશો પાકિસ્તાન, મ્યાંમાર અને બાંગ્લાદેશને કરવામાં આવે છે. સ્ટોકહોલ્મ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના અહેવાલમાં વૈશ્વિક શસ્ત્ર વેચાણના વલણો દક્ષિણ એશિયાના બદલાઈ રહેલા જીઓપોલિટિક્સને પણ પ્રતિબિંબિત કરે છે.

અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં આતંકવાદના ખાત્મા માટે પાકિસ્તાન દ્વારા પુરતી કાર્યવાહી નહીં કરાઈ હોવાના મામલે અમેરિકાનું ઈસ્લામાબાદ સાથેનું અંતર વધ્યું છે. ઈન્ટરનેશનલ થિંક ટેન્કના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 2008થી 2012 વચ્ચે પાકિસ્તાને અમેરિકા પાસેથી જંગી સૈન્ય સહાયતા પ્રાપ્ત કરી હતી. જેમાં 28 કોમ્બેક્ટ એરક્રાફ્ટ અને પાંચ મેરિટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટનો પણ સમાવેશ થતો હતો. આ અહેવાલ મુજબ ગત પાંચ વર્ષોમાં પાકિસ્તાનને અમેરિકા દ્વારા અપાતા શસ્ત્રોમાં સૂચકપણે 76 ટકા જેટલો ધરખમ ઘટાડો નોંધાયો છે.

તો બીજી તરફ ભારત અને અમેરિકાના સંરક્ષણ સંબંધોમાં ગત ઘણાં વર્ષોથી જોવા મળેલી ઘનિષ્ઠતા અને ઘણી સંયુક્ત લશ્કરી કવાયત તથા લોજિસ્ટિક્સ શેરિંગ એગ્રિમેન્ટ્સ દ્વારા 2013થી 2017ના વર્ષોમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલી શસ્ત્ર આપૂર્તિમાં 557 ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડામાં ભૂતકાળમાં ઓર્ડર કરાયા હોય બાદમાં હકીકતમાં થયેલી આર્મ્ડ ડિલિવરીસ સાથે સંકળાયેલા છે. આ સમયગાળા દરમિયાન અમેરિકાની કંપનીઓ દ્વારા પી-8-આઈ મેરિટાઈમ એરક્રાફ્ટ, સી-17 હેવી લિફ્ટર્સ અને સી-130જે સ્પેશયલ ઓપરેશન્સ એરક્રાફ્ટ્સનો પણ સમાવેશ થાય છે.

પરંતુ અમેરિકા દ્વારા પાકિસ્તાનને શસ્ત્ર આપૂર્તિમાં ધરખમ ઘટાડા બાદ હવે ચીને વોશિંગ્ટનનું સ્થાન લીધું છે. ચીનના શસ્ત્ર નિર્માણ સેક્ટર માટે પાકિસ્તાન સૌથી મોટું બજાર છે. 2013થી 2017 દરમિયાન ચીને 48 દેશોને મોટા હથિયાર વેચ્યા છે. 1991થી દર પાંચ વર્ષ માટે પાકિસ્તાન ચીનના શસ્ત્રોનું સૌથી મોટું આયાતક છે. 2013થી 2017 દરમિયાન ચીને પાકિસ્તાનને 35 ટકા હથિયારોનું વેચાણ કર્યું છે.

રોહિંગ્યા મુસ્લિમો સામેની ઓટ્રોસિટિસના મામલે મ્યાંમાર સામે ઈયુના સદસ્ય દેશો અને અમેરિકા દ્વારા મ્યાંમારને શસ્ત્ર વેચાણ પર રોક લગાવાઈ છે. આવા સંજોગોમાં રોહિંગ્યા મુસ્લિમો પર અત્યાચારના નામે કાગારોળ મચાવનારા પાકિસ્તાનનું સદાબહાર મિત્ર ચીન મ્યાંમારને સૌથી વધુ શસ્ત્રો પુરા પાડી રહ્યું છે. 2013થી 2017ના સમયગાળા દરમિયાન મ્યાંમારની કુલ શસ્ત્ર આયાતના 68 ટકા ચીનમાંથી અને 15 ટકા રશિયામાંથી આયાત કરવામાં આવ્યા છે. જેમાં 2017ની ચીન અને રશિયા દ્વારા કોમ્બેક્ટ એરક્રાફ્ટની ડિલિવરીની ડીલ પણ સામેલ છે. બાંગ્લાદેશ દુનિયાનો 19મો સૌથી મોટો આર્મ્સ ઈમ્પોર્ટર દેશ છે અને તેને મોટાભાગના શસ્ત્રો ચીન દ્વારા પુરાં પાડવામાં આવે છે. બાંગ્લાદેશની કુલ શસ્ત્ર આયાતના 71 ટકા ચીનથી અને 16 ટકા રશિયામાંથી આયાત થાય છે.

2013થી 2017 દરમિયાન ગ્લોબલ માર્કેટમાંથી શસ્ત્રોની આયાત કરનારા દેશોમાં 12 ટકા સાથે ભારત સૌથી પહેલા ક્રમાંકે છે. ઘરઆંગણે શસ્ત્ર નિર્માણ સેક્ટરને પ્રોત્સાહિત કરવાની કોશિશો છતાં ભારતમાં શસ્ત્રોની આયાતમાં વધારો જોવા મળ્યો છે. જેમાં 2008થી 2012 વચ્ચે અમેરિકામાંથી ભારતમાં 24 ટકા શસ્ત્રોની આયાત થઈ હતી. તો 2013થી 2017માં અમેરિકામાંથી શસ્ત્રોની ભારતમાં આયાતમાં 557 ટકાનો વધારો થયો હતો. તેની સાથે અમેરિકા હવે ભારતને શસ્ત્ર પુરા પાડનારો બીજો મોટો દેશ બની ગયો છે. તો ઈઝરાયલ ભારતમાં શસ્ત્રોની આયાત કરનારો ત્રીજો સૌથી મોટો દેશ છે અને ઈઝરાયલથી ભારતમાં શસ્ત્રોની આયાતમાં 285 ટકાનો વધારો નોંધાયો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter