સોશિયલ મીડિયામાં માતા મોગલ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી, આઈ ભક્તો દ્વારા ઠેર-ઠેર આવેદન અપાયા

ફેસબુક પર મા મોગલ વિષે થયેલી ટીપ્પણીને લઇને સુરત ખાતે ચારણ-ગઢવી સમાજે પત્રકાર પરિષદ યોજીને રોષ પ્રગટ કર્યો હતો. ધોળકા નજીકના મનીષ ભારતી અને અન્ય ઈસમો દ્વારા આ નિર્મમ કક્ષાનું કૃત્ય કરવામાં આવ્યું છે. જેને લઇને ચારણ-ગઢવી સમાજે આવા તત્વો સામે તાત્કાલીક પગલા ભરવાની માંગ કરી છે.

સાથે ચિમકી ઉચ્ચારી છે કે જો મા મોગલ વિષે ટીપ્પણી કરનાર શખ્સો સામે તાત્કાલીક પગલા નહીં ભરાય તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવામાં આવશે જેની જવાબદારી સરકારની રહેશે.

સમાજના આગેવાનોએ ઠેર-ઠેર આવેદન આપ્યા

સોશિયલ મીડિયામાં મોગલ માતા વિરૂદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી બાદ ચારણ સમાજના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ મામલે જેતપુરમાં ચારણ સમાજ દ્વારા મામલદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ છે. તો રાજકોટમાં પણ રાજપૂત અને ગઢવી સમાજના લોકોએ એકઠા થઇ રેલી યોજી હતી અને પોલીસ કમિશનર કચેરીએ પહોંચી જોઇન્ટ કમિશનરને આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદન પત્ર પાઠવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો.

તો ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા વિસ્તારના આઈ ભક્તો દ્વારા ઉમરાળા મામલતદારને રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યુ હતુ અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. બનાસકાંઠાના થરાદમાં ચારણ ગઢવી સમાજ અને હિન્દૂ સમાજ દ્વારા પીઆઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.આ ટિપ્પણી કરનાર 6 શખ્સો સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. તો સુરત ખાતે ચારણ- ગઢવી સમાજે પત્રકાર પરિષદ યોજીને રોષ પ્રગટ કર્યો હતો. આ સાથે આગામી દિવસોમાં જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી.

સોશિયલ મીડિયા બેધારી તલવાર છે. તેના ફાયદાની સામે નુકસાન પણ એટલા જ છે. હાલમાં મા મોગલ વિશે અપના અડ્ડા ગ્રુપમાં થયેલી પોસ્ટ અને તે બાદ થયેલી બેફામ પોસ્ટને લઇને મોગલ માતાજીને માનનારા સમાજના લોકોએ રોષ પ્રગટ કર્યો છે અને આ અંગે સાયબર ક્રાઇમમાં નામજોગ ફરિયાદ કરવાની સાથે ઠેરઠેર કલેક્ટરને આવેદન પણ આપ્યા છે.

મા મોગલ પર કરવામાં આવેલી પોસ્ટ પર કેટલાક લોકોની વિચિત્ર કોમેન્ટને લઇને આ આખોય મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. હાલમાં આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. તો અલગ-અલગ ગામોમાં કલેક્ટરને આવેદન આપવામાં અપાયા હોવાના પત્ર પણ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે.

આજકાલ સોશિયલ મીડિયામાં ચોક્કસ સમાજ કે ધર્મ પર વિવાદિત ટીપ્પણીઓ થઇ રહીં છે. અપના અડ્ડા નામના ગ્રુપમાં અલગ-અલગ સમાજના લોકો પર અનેક પ્રકારે ટીપ્પણી કરવામાં આવી છે. જેમાં અનેક સમાજ વિષે ખોટી અને અપૂરતી માહિતી પણ મુકવામાં આવી છે. એવું નથી કે આ પ્રકારની પોસ્ટ પ્રથમ વખત કરવામાં આવી હોય અને મામલો સાયબર સેલમાં પહોંચ્યો હોય આવી તો અનેક પોસ્ટ છે જે આ ગ્રુપ પર જોઈ શકાય છે. આ ગ્રુપ દ્વારા અનેક વખત વિવાદિત પોસ્ટ કરાઇ છે જેનાથી વાતાવરણ ડહોળાઇ શકે છે. હાલમાં આ અંગે સાયબર ક્રાઇમમાં નામજોગ ફરિયાદ નોંધાઇ છે.ત્યારે પોલીસ હવે આ મામલે શું પગલા લે છે તે જોવાનું મહત્વનું બની રહેશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter