ચારણોની દેવી આઈ મોગલ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણીથી સમાજમાં રોષ, ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ

ચારણોની દેવી આઇ મોગલ વિરુદ્ધ અપના અડ્ડા નામના પેજ પર સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીઓ થવાથી આખો સમાજ રોષે ભરાયો છે. ધાર્મિક લાગણી દુભાતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ પણ નોંધવામાં આવી છે ત્યારે આવો જાણીએ કે આઇ મોગલ ક્યું દેવી તત્વ છે અને શું છે મા મોગલનો મહીમાં.

ચારણોની દેવી આઇ મોગલ દૈવી શક્તિ છે. શ્રીમદ દેવી ભાગવતમાં ચંડીપાઠમાં જુદી જુદી સ્તુતિઓ છે અને તેમાં મહાઅર્ગલા સ્તોત્ર આવે છે. આ મહાઅર્ગલા શબ્દ સમય જતા અપભ્રંશ બનીને મોગલ થયો હોય એવું સંશોધનકારોનું કહેવું છે. આઇ મોગલ એટલે ચારણોની દેવી. ચારણ કન્યા બ્રહ્મચર્ય ધારણ કરીને વર્ષો સુધી શક્તિ ઉપાસના કરતાં કરતાં દેવીમય થઇ જાય ત્યારે એ ખુદ મોગલ શક્તિ સ્વરૂપ બની જાય છે. ચારણ સમાજમાં અનેક આવી દીકરીઓએ સમયાંતરે મોગલ સ્વરૂપ ધારણ કર્યા છે અને પરચાં પૂર્યા છે એટલે આઇ મોગલ એ આસ્થાનું સ્થાનક છે.

એવું કહેવાય છે ભગવાન શ્રીકૃષ્ણ પણ આઇ મોગલને માનતા અને દ્વારકાધીશ મંદીરના ઉપરના માળે જે શક્તિ સ્થાનક છે તે આઇ મોગલ હોવાની માન્યતા છે. મોગલ પાસે શસ્ત્ર નથી તેના હાથમાં કાળો નાગ છે અને તે આ નાગની ચાબુક વડે પોતાના છોરૂની અનિષ્ઠ તત્વોથી રક્ષા કરે છે. આઇ મોગલ સેંકડો વર્ષોથી પૂજાય છે અને તે માત્ર ગઢવી જ નહીં પણ દરબારો, કાઠી, રાજપુત, આહિર, ક્ષત્રિય સમાજમાં પણ પૂજાય છે. એટલે જ સોશિયલ મીડિયામાં મોગલ વિરોધી પોસ્ટ આવવાના કારણે સમાજના બહોળા વર્ગની ધાર્મિક લાગણી દુભાઇ છે અને ગામે ગામ સરઘસ અને રેલીઓનો સિલસિલો શરૂ થયો છે.

આઇ મોગલના ગુજરાતમાં અનેક સ્થાને બેસણાં છે જે મોગલધામ તરીકે ઓળખાય છે. ભાવનગર પાસે ભગુડા ખાતે, અમદાવાદ નજીક રાણેસર ખાતે દ્વારકા પાસે ભીમરાણા ખાતે, જેતપુર પાસે ગોરવિયાળી ખાતે તેમજ કચ્છમાં કબરાઉ ખાતે આ મોગલધામ આવેલા છે. આઇ મોગલ વિશે એવું કહેવાય છે કે, દીવાની સાક્ષીએ આઇને યાદ કરો અને પ્રાર્થના કરો તો અચુક મદદે આવે છે અને એટલા માટે કચ્છમાં તો ઘણી જગ્યાએ મુસ્લિમ સમાજ પણ આઇ મોગલને માને છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter