ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર તરીકે વેંકૈયા નાયડુની પસંદગી

એનડીએએ સોમવારે સાંજે ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરી છે. સંસદીય દળની સોમવારે સાંજે મળેલી બેઠકમાં એનડીએ દ્વારા ઉપ રાષ્ટ્રપતિ પદ માટે શહેરી વિકાસ પ્રધાન વેંકૈયા નાયડુની પસંદગી કરાઇ છે. ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસે ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કોંગ્રેસે ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીને પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે.

ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારના નામ પર નિર્ણય કરવા સોમવારે સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં ઉપરાષ્ટ્રપતિના નામ અંગે પણ ચર્ચા-વિચારણા થઇ હતી. જેમાં શહેરી વિકાસ પ્રધાન વેંકૈયા નાયડુના નામ પર સહમતિ બનાવી હતી. આ પહેલા  ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન એમ. વેંકૈયા નાયડુની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.  પરંતુ, પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક પહેલા વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, ભાજપ સંસદીય બોર્ડ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બાબતે નિર્ણય કરશે. ભાજપના સંસદીય બોર્ડ દ્વારા કરવામાં આવનારા નિર્ણયને તેઓ માનશે.

દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ સંસદીય દળની બેઠકની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, સર્વસંમતિથી વેંકૈયા નાયડુને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એનડીએના તમામ પક્ષો નાયડુના નામ પર સહમત છે..વેંકૈયા નાયડુ મંગળવારે સવારે 11 વાગે ઉમેદવારી ફોર્મ ભરશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે નાયડુનો મુકાબલો વિપક્ષના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધી સાથે થશે.

અમિત શાહે કહ્યું કે, નાયડુ ભાજપના વરિષ્ઠતમ નેતાઓમાંથી એક છે અને તેઓ બાળપણથી પાર્ટી સાથે સંકળાયેલા છે. નાયડુ બે વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચુક્યા છે. તેમની પાસે 25 વર્ષ કરતા લાંબો સંસદીય અનુભવ છે અને તેઓ ચાર વખત રાજ્યસભાના સાંસદ પણ રહી ચુક્યા છે. આંકડાની દ્રષ્ટીએ એનડીએના ઉમેદવારને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોઇ વધુ મુશ્કેલી નહીં નડે. જો ભાજપની ગણતરી મુજબ બધુ સમુસુતરૂ રહ્યું તો વેંકેયા નાયડુ દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ હોઇ શકે છે.

આમ, પાંચ ઓગસ્ટે યોજાનાર ઉપ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં અને ગોપાલકૃષ્ણ ગાંધી વચ્ચે સીધો મુકાબલો થશે. આ દિવસે જ મતોની ગણતરી પણ હાથ ધરાશે. નોંધપાત્ર છે કે, કોંગ્રેસ સહિતના 18 વિપક્ષોએ ગોપાલકૃષ્ણ ગાંધીને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે. તેઓ ગાંધીજીના પૌત્ર છે.

10 ઓગસ્ટે ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારીની ટર્મ પૂરી થશે

ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીની ટર્મ 10મી ઓગસ્ટે સમાપ્ત થઈ રહી છે. નવા ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી 5 ઓગસ્ટે થશે. તેના માટે 18 જુલાઈએ ઉમેદવારી પત્ર દાખલ થવાના છે. 5ઓગસ્ટે લોકસભા અને રાજ્યસભાના સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં વોટિંગ થશે અને તે જ દિવસે તેની મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter