કોવિંદના નામ બાદ કોંગ્રેસે કહ્યું- ”ભાજપે એકતરફી નિર્ણય લીધો”

એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદના નામની જાહેરાત બાદ કોંગ્રેસે ટીપપ્ણી કરવાનો ઇન્કાર કર્યો છે. જો કે ભાજપે એક તરફી નિર્ણય લીધાનું કોંગ્રેસે જણાવ્યું છે. કોંગી નેતા ગુલામનબી આઝાદે કહ્યું છે કે આ મુદ્દે તમામ વિપક્ષો ભેગા મળીને નિર્ણય કરશે. તેમણે કહ્યું કે ભાજપ તરફથી અમને નામ નહોતા બતાવ્યા. આજે જાહેરાત કરતા પહેલા તેમણે લઇ લીધેલો નિર્ણય જણાવ્યો હતો. તેમણે કહ્યું કે અમને અપેક્ષા હતી કે કોઇ નામની જાહેરાત કરતા પહેલા ચર્ચા કરાશે અને સર્વસંમતિ સધાશે. તેમણે નિર્ણય લીધા બાદ જણાવ્યું છે.

બીજી તરફ ગુલામનબી આઝાદે કહ્યું કે એનડીએ આ પ્રકારનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર પણ છે. અમારો મત હતો કે બધાનું સૂચન લઇને સર્વસંમત ઉમેદવાર જાહેર કરવામાં આવે. જો કે તેમણે રામનાથ કોવિંદના નામની જાહેરાત પર કોઇ પણ ટીપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે આગામી 22મી જૂને વિપક્ષી દળોની બેઠક મળશે. આ બેઠકમાં તેઓ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરશે.

એનડીએ દ્વારા બિહારના રાજ્યપાલ રામનાથ કોંવિંદને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તેના પર રાજકીય પક્ષોની પ્રાથમિક પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રસ નેતા પ્રમોદ તિવારીએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અન્ય વિપક્ષી દળોના નેતાઓ સાથે વાતચીત બાદ નિર્ણય કરશે તેમ કહ્યું હતું. જ્યારે જેડીયુ નેતા શરદ યાદવે પણ પ્રતિક્રિયા આપી હતી. આરજેડી નેતા મનોજ ઝાએ પ્રતિક્રિયા આપતા દેશની વર્તમાન સ્થિતિ જે રીતે જોવા મળી રહી છે. તે પ્રમાણે યોગ્ય ઉમેદવાર છે કે નહી તે અંગે ચર્ચા થશે બાદમાં 22 જૂને વિપક્ષી દળોની બેઠક બાદ નિર્ણય લેવાશે તેમ કહ્યું.

ભાજપે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે દલિત કાર્ડ ખેલ્યું છે. તેના પર બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષા માયાવતીએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેઓએ વિરોધ ન કરી શકાય પરંતુ જો ભાજપે અગાઉ સૌની સહમતિ લીધી હોત તો વધુ સારુ હતું તેમ કહ્યું છે.

રામનાથ કોવિંદના નામની જાહેરાત કરતા પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે શિવસેના સુપ્રીમો ઉદ્વવ ઠાકરે સાથે ટેલફોનિક વાતચીત કરી હતી. જેમાં તેમણે રામનાથ કોવિંદનું નામ નક્કી કર્યાનું જણાવ્યું હતું. શિવસેનાના નેતા સંજય રાઉતે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અમિત શાહે નામ બતાવ્યું છે. તે અંગે અમે આગામી દિવસોમાં નિર્ણય લઇશું.

બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદને સમર્થન અંગે હાલમાં કઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે. નીતિશકુમારે રાજ્યપાલ રામનાથ કોવિંદ સાથે રાજભવનમાં મુલાકાત કરી છે.

એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ સામે વિપક્ષ મીરાકુમારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે. મીરાકુમાર લોકસભાના પહેલા મહિલા સ્પીકર રહી ચૂક્યા છે. તેઓ પણ કોંગ્રેસનો દલિત ચહેરો છે. તેઓ નાયબ વડાપ્રધાન રહી ચૂકેલા જગજીવનરામના પુત્રી છે.

આ બધા ઘટનાક્રમ વચ્ચે ડાબેરી નેતા સીતારામ યેચુરીએ પણ સંકેત આપ્યો છે કે આ વખતે સર્વસંમતિથી રાષ્ટ્પતિ પદની ચૂંટણી નક્કી થાય તેમ નથી. તેમણે કહ્યું છે કે રામનાથ કોવિંદ સંઘની શાખાના પ્રમુખ રહી ચૂક્યા છે. તો શું આ રાજકારણ નથી? તેમણે કહ્યું કે 22મીએ વિપક્ષી નેતાઓની બેઠકમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો નિર્ણય લેવાશે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter