મુંબઇમાં ફરી એક વખત ભાજપે શિવસેનાને આપ્યો ઝટકો, કોંગ્રેસે અહીં મારી બાજી

ભાજપે મુંબઇ મહાનગર પાલિકા(બીએમસી)માં બેઠકોની સંખ્યાને લઇને શિવસેનાની સાથે પોતાના અંતરને ઓછુ કર્યું હતું. ભાડુંપથી પાર્ટી ઉમેદવારે પોતાના પ્રતિસ્પર્ધી શિવસેનાના ઉમેદવારને 4,792 જેટલા વોટોથી હરાવી બીએમસી પેટાચૂંટણીમાં જીત હાંસલ કરી હતી.

બીએમસીના એક અધિકારી અનુસાર, વોર્ડ નંબર 116માં ભાજપના ઉમેદવાર જાગૃતિ પટેલને 11,129 વોટ મળ્યા હતા જ્યારે શિવસેનાના ઉમેદવાર મીનાક્ષી પાટિલને 6, 337 વોટ મળ્યા હતા. કોંગ્રેસની પ્રેમિલા પાટિલનું ગત 25 એપ્રિલે નિધન થતાં આ પેટા ચૂંટણી યોજાઇ હતી. હવે 227 સભ્ય બીએમસીમાં ભાજપની બેઠકોની સંખ્યા વધીને 82 થઇ ગઇ છે, જ્યારે શિવસેનાની હજી 84 બેઠક છે.બુધવારે યોજાયેલી આ પેટા ચૂંટણીને લઇને બંને પાર્ટીઓ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે પ્રેમિલા સિંહને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા.

મહારાષ્ટ્રમાં નાંદેડ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસે બાજી મારી

મહારાષ્ટ્રમાં નાંદેડ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી સફળતા હાથ લાગી છે. બુધવારે મતદાન બાદ ગુરૂવારે નાંદેડ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 81 બેઠકોમાં કોંગ્રેસ 71 બેઠકો જીતવામાં સફળ રહી હતી. જ્યારે કે ભાજપને છ બેઠક અને શિવસેનાને એક જ બેઠક મળી હતી. ઉપરાંત એક બેઠક પર અપક્ષની જીત થઇ હતી. તો વળી, એનસીપી અને એમઆઇએમ ખાતુ ખોલવામાં નિષ્ફળ રહ્યાં હતા. આ ચૂંટણીમાં પૂર્વ મુખ્યપ્રધાન અશોક ચવ્હાણની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી. નાંદેડ મહાનગરપાલિકાની મતદાન પહેલા ભાજપના વરિષ્ઠ નેતાઓ સહિત ખુદ સીએમ ફડણવીસે અહીં ચૂંટણી પ્રચાર કર્યો હતો. જ્યારે અશોક ચવ્હાણ છેલ્લા ત્રણ સપ્તાહથી અહીં ડેરાતંબુ તાણીને બેઠા હતા. 2012માં અહીં કોંગ્રેસને 81માંથી 41 બેઠક જ મળી હતી..

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter