ભાજપ-કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં પંચાયતોમાં કબજો મેળવવા આ નીતિઓ અપનાવી

રાજ્યની 31 જિલ્લા અને 200 તાલુકા પંચાયતમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની મુદત પૂર્ણ થતા તેમને બદલવા માટેની પ્રક્રિયા ચાલી તેમાં યુ.પી. મોડલના દર્શન થયા છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ આગામી 2019 લોકસભાની ચૂંટણીમાં મહત્વની ગણાતી પંચાયતોમાં કબજો મેળવવા માટે તડજોડ અને લોભ લાલચની નીતિઓ અપનાવી હતી. જેના કારણે કોંગ્રેસે પોતાના મોટાભાગની પંચાયતના સભ્યોને માઉન્ટ આબુ અને ઉદયપુર મોકલીને સત્તા બચાવવાના પ્રયાસો કર્યા હતાં.

તો ભાજપે પણ પોતાના સભ્યોને બચાવવા માટે ધારાસભ્યો અને સંગઠનના આગેવાનોને સભ્યોની આસપાસ વોચ રાખવા માણસો ગોઠવી દીધા હતા. 2019માં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં હાલ ગુજરાતની તમામ લોકસભા બેઠક ભાજપ પાસે છે ત્યારે આ બેઠકો ટકાવી રાખવા માટે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં સત્તા મેળવવી ભાજપ માટે ખૂબ જ મહત્વની બની રહે તેમ છે. તેથી ભાજપે કોંગ્રેસ શાસિત પંચાયત પર પણ પોતાનો કબજો મેળવવા માટે તમામ પ્રયાસો હાથ ધર્યા.

તો બીજી તરફ કોંગ્રેસે પણ પોતાની પંચાયતો બચાવવાની સાથે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ બેઠકો મળે તે માટેની વ્યૂહરચના ગોઠવી હતી. અઢી વર્ષ પહેલા યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડયો હતો અને કોંગ્રેસને ફાયદો થયો હતો. તેથી આ વખતે સામ દામ દંડ ભેદથી મોટા નેતાઓને પણ કામે લગાડીને ભાજપે કોંગ્રેસની પંચાયતો મેળવવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું. આથી સવાલ એ થાય કે જો તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આટલા મોટા પાયે ખરીદ વેચાણ થતું હોય તો શું ગુજરાતના રાજકારણમાં પણ યુ.પીની પેટર્ન પ્રવેશી ચુકી છે?

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter