એશિયા કપ હૉકી: ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે મેચ ડ્રો

હારની નજીક પહોંચી ગયેલી ભારતીય હૉકી ટીમે મેચની સમાપ્તિ પહેલા અંતિમ મિનિટમાં ગુરજત સિંહના ગોલની મદદથી દક્ષિણ કોરિયા સામે હિરો હૉકી એશિયા કપ ટૂર્નામેન્ટ-2017માં બુધવારે રમાયેલી મેચ 1-1થી ડ્રો પર રોકી હતી.
બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો અંત સુધી રોમાંચથી ભરેલો રહ્યો હતો. ભારત અને દક્ષિણ કોરિયાની ટીમો એકબીજાને બરાબરીની ટકકર આપી રહી હતી. પહેલી અને બીજા ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે સંઘર્ષ જોવા મળ્યો હતો. પરંતુ, કોઇપણ ટીમ ગોલ કરવામાં સફળ રહી ન હતી. ત્યાર બાદ ત્રીજા ક્વાર્ટરમાં દક્ષિણ કોરિયાએ 41મી મિનિટમાં જુંગજુનલી તરફથી થયેલા ગોલની મદદથી પોતાનું ખાતુ ખોલાવ્યું હતું. અને 1-0ની સરસાઇ હાંસલ કરી હતી. ચોથા ક્વાર્ટરમાં પણ રસાકસી જોવા મળી હતી.
જો કે, મેચની સમાપ્તિની કેટલીક સેકન્ડ બાકી હતી ત્યારે ભારતની હાર લગભગ નિશ્વિત થઇ ચૂકી હતી. આવામાં અંતિમ મિનિટમાં ગુરજત સિંહે (60મી મિનિટમાં) ગોલ કરતા મેચ 1-1થી ડ્રો રહી હતી.