એશિયા કપ હૉકી: મલેશિયાને 2-1 થી હરાવી ભારત ત્રીજી વખત બન્યું ચેમ્પિયન

એશિયા કપની ફાઇનલમાં રવિવારે ભારતે ઢાકામાં મલેશિયાને 2-1થી હરાવીને ખિતાબ પર ત્રીજી વખત કબજો જમાવ્યો છે. ભારત તરફથી રમણદીપ સિંહ અને લલિત ઉપાધ્યાયએ 1-1 જ્યારે મલેશિયા તરફથી એકમાત્ર ગોલ શાહરિલ સબાહે કર્યો હતો. ઉલ્લેખનીય છેકે, ખિતાબી મુકાબલામાં ભારતે મેચના પહેલા હાફમાં પોતાના બંને ગોલ કર્યા હતા જ્યારે મેચના બીજા હાફમાં મલેશિયાએ એકમાત્ર ગોલ ફટકાર્યો હતો.

ઢાકામાં રવિવારે રમાયેલી 10મી એશિયા કપ હૉકી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ સામે મલેશિયાની ટીમ કોઇ ઉલટફેર કરી શકી ન હતી. મેચની ત્રીજી મિનિટમાં જ રમણદીપ સિંહે ગલ કરીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. ત્યાર બાદ 29મી મિનિટમાં લલિત ઉપાધ્યાયે પણ બીજો ગોલ કરતા ભારતીય ટીમનો સ્કોર 2-0 પર પહોંચ્યો હતો. આમ, ભારતીય ટીમ 2-0ની સરસાઇ સાથે રમી રહી હતી ત્યારે મલેશિયાની ટીમે પલટવાર કરતા મેચની 50મી મિનિટમાં ગોલ કર્યો હતો. જેના કારણે સ્કોર 2-1નો થયો હતો, ત્યાર બાદ ભારતીય ટીમે મલેશિયાની ટીમને એક પણ ગોલ કરવા દીધો ન હતો. આ સાથે જ મનપ્રીત સિંહની કપ્તાનીમાં ભારતીય ટીમે 10 વરસ બાદ ફરી એક વખત એશિયન હૉકી પર કબજો જમાવ્યો હતો.

ભારતીય ટીમે આ પહેલા વર્ષ 2007માં ચેમ્પિયન બન્યું હતું. ભારતે દક્ષિણ આફ્રિકાને 7-2થી હરાવીને ખિતાબ પર કબજો જમાવ્યો હતો. જ્યારે પ્રથમ વખત ભારતીય ટીમ વર્ષ 2003માં પાકિસ્તાનને 4-2થી હરાવી એશિયા કપમાં ચેમ્પિયન બન્યું હતું. એશિયા કપની ફાઇનલમાં ભારતીય ટીમની આ ત્રીજી જીત છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter