સુંજવા આતંકી હુમલો: ઓવૈસી બોલ્યા- 6 શહીદોમાં 5 મુસલમાન, તો શા માટે જઇએ પાક?

સુંજવાન આર્મી કેમ્પ પરના આતંકી હુમલા બાદ શહીદોની શહાદત પર રાજકારણ ચાલુ થઈ ગયું છે. એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદથી લોકસભાના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ છે કે છ શહીદોમાંથી પાંચ મુસ્લિમ છે. ક્યાં ગયા મુસ્લિમોની વફાદારી પર શંકાઓ કરનારા અને શા માટે જઈએ પાકિસ્તાન?

જમ્મુના સુજવાન આર્મી કેમ્પ પર આતંકી હુમલા બાદ એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વિવાદીત ટીપ્પણી કરી છે. ઓવૈસીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે આતંકી હુમલામાં શહીદ થનારા છ જવાનોમાંથી પાંચ કાશ્મીરી મુસ્લિમો હતા. જે લોકો મુસ્લિમોનને પાકિસ્તાન જવાનું કહે છે અથવા તો તેમને પાકિસ્તાની સમજે છે. તેમણે આ જોવું જોઈએ. મહત્વપૂર્ણ છે કે ભારતીય મુસ્લિમોને પાકિસ્તાની કહેવા બદલ ત્રણ વર્ષ જેલની સજા આપવાનો કાયદો બનાવવાની ઓવૈસી સંસદમાં માગણી કરી ચુક્યા છે.

ઓવૈસીએ સુજવાન આર્મી કેમ્પ પરના આતંકી હુમલાને વખોડતા જમ્મુ-કાશ્મીરમાં પીડીપી-ભાજપની ગઠબંધન સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યુ છે કે ભાજપ અને પીડીપી રાજકીય ડ્રામા કરી રહ્યા છે અને સાથે બેસીને સત્તાની મલાઈ ખાઈ રહ્યા છે. ભાજપે ઓવૈસીના નિવેદનને ભાગલાવાદી ગણાવ્યું છે.

સુજવાન કેમ્પ પર 2003માં પણ આતંકી હુમલો થવાનું યાદ કરાવીને ઓવૈસીએ ઉરી, પઠાનકોટ અને નગરોટાની સૈન્ય છાવણીઓ પર આતંકી હુમલાઓ છતાં કોઈ બોધપાઠ લેવામાં આવ્યો નહીં હોવાનું જણાવ્યું છે. તેમણે સવાલ કરયો છે કે આ હુમલાની જવાબદારી કોણ લેશે અને શું આઈબીની અસફળતા નથી?

જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિના પાકિસ્તાન સાથે વાતચીત થવી જોઈએ તેવા નિવેદન પર ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા છે. ઓવૈસીએ કટાક્ષ કરતા કહ્યુ છે કે ક્યારે મોદી કોઈના નિકાહમાં બોલાવ્યા વગર પાકિસ્તાન પહોંચી જશે અને વેજ બિરયાની ખાઈ આવશે તેની કોઈને ખબર નથી.

સોમવારે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ સુંજવાન આર્મી કેમ્પ પર હુમલા બાદ જમ્મુ પહોંચ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદ અને પાકિસ્તાનનો હાથ હતો. પાકિસ્તાને આવી હરકતોની કિંમત ચુકવવી પડશે. આના સંદર્ભે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખુર્રમ દસ્તીગર ખાને પ્રતિક્રિયા આપી છે કે ભારતના આક્રમક વલણ, રણનીતિક ભૂલ અથવા કોઈપણ અયોગ્ય પગલું સહન કરવામાં નહીં આવે. ભારતને તેની દરેક કાર્યવાહીનો તેના શબ્દોમાં જવાબ આપવામાં આવશે.

જમ્મુના સુંજવાન આર્મી કેમ્પ પર આતંકી હુમલામાં ભારતીય સેનાના છ જવાનો શહીદ થયા છે અને એક નાગરિકે પણ જીવ ગુમાવ્યો છે. તો સોમવારે શ્રીનગરના કરનનગર ખાતેના સીઆરપીએફ હેડક્વોર્ટર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. મંગળવારે એક ઈમારતમાં છૂપાયેલા આતંકવાદીઓમાંથી બેને સુરક્ષાદળે ઠાર કર્યા છે. 2018માં અત્યાર સુધીમાં 21 જેટલા જવાનો અલગ-અલગ હુમલાઓમાં શહીદ થઈ ચુક્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter