48 કલાકમાં તૈયાર થયેલી ‘પદ્માવતી’ની રંગોળીને પબ્લિકે મિનિટોમાં બગાડી નાંખી

સંજય લીલા ભણસાલીની દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘પદ્માવતી’ શૂટિંગના સમયથી ચર્ચામાં છે. ફિલ્મ મેકર સંજય લીલા ભણશાલી અને તેના ડ્રીમ પ્રોજેક્ટને પણ લોકોની આ વિધ્વંસક માનસિકતાને કારણે ઘણું નુકસાન વેઠવુ પડ્યુ છે. હવે પદ્માવતીની રંગોળી તૈયાર કરનાર એક આર્ટિસ્ટને પણ આનો ભોગ બનવું પડ્યું છે.

વાસ્તવમાં આર્ટિસ્ટ કરણ કે. એ દાવો કર્યો છે કે, તેમના દ્વારા બનાવવામાં આવેલી ‘પદ્માવતી’ની રંગોળીને 100 લોકોના ટોળાએ આવીને મિનિટોમાં જ રંગોળી વીંખી નાંખી હતી. કરણ કે.ને દીપિકા પાદુકોણના પોસ્ટરવાળી રંગોળી બનાવવા માટે 48 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ આર્ટિસ્ટે ટ્વિટર પર આ અંગેની જાણકારી આપી છે.

આ આર્ટિસ્ટે ટ્વીટર પર આ ફોટો શેર કરતા લખ્યું છે કે, ”100 લોકોનું ટોળુ આવ્યું અને ‘જય શ્રી રામ’ના નારા લગાવતા લગાવતા તેમણે મિનિટોમાં જ રંગોળી વીંખી નાંખી હતી. આ રંગોળી તૈયાર કરવામાં તેને પૂરા 2 દિવસનો સમય લાગ્યો હતો.” આર્ટિસ્ટે પોતાના ટ્વીટ્સ પર સંજય લીલા ભણસાલી અને તેમની ટીમ અને રણવીર સિંહને પણ ટેગ કર્યો હતો.

‘પદ્માવતી’  ફિલ્મ બનવાનું શરૂ થયુ ત્યારથી જ આ ફિલ્મને જાતજાતની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજસ્થાન શૂટિંગ દરમિયાન રાજપૂત કરણી સેનાના લોકો મૂવી સેટ પર ધસી આવ્યા હતા અને તેમણે સેટ પર તોડફોડ મચાવી હતી. આ તોડફોડમાં સેટ ઉપરાંત કોશ્ચ્યુમ્સ અને જ્વેલરીને પણ ભારે નુકસાન પહોંચ્યુ હતુ. આટલું જ નહિ, ફિલ્મ મેકર સંજય લીલા ભણશાલીને પણ લાફો ખાવાનો વારો આવ્યો હતો. એટલું જ નહી તાજેતરમાં રિલીઝ થયેલા ફિલ્મના ટ્રેલર પછી કેટલાક સમાજના લોકો ફિલ્મને રાજસ્થાનમાં રિલીઝ ન કરવાની ધમકી આપી છે.

આ મુદ્દા પર જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને જણાવ્યુ કે,  ”આ ફિલ્મ રીલીઝ થવામાં કોઈ બાધા નહિ નડે.” ‘પદ્માવતી’ માં રણવીર સિંહ સુલતાન અલાઉદ્દીન ખિલજીના કેરેક્ટરમાં જોવા મળશે, 1 ડિસેમ્બરે ફિલ્મ ‘પદ્માવતી’ થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter