અમેરીકામાં વાવાઝોડાંના કહેરથી જનજીવન પ્રભાવિત, 2ના મોત

હવે વાત કરીએ વાવાઝોડાના કહેરની તો અમેરિકામાં ફરી એક વખત ત્રાટકેલા વાવાઝોડાંને કારણે 2 લોકોના મોત થયા છે. વાવાઝોડાંના કારણે ઉત્તર-પૂર્વ વિસ્તારના અનેક રાજ્યોના હજારો ઘરોમાં અંધકારપટ છવાયો હતો. તો ભારે વરસાદ અને તોફાનને કારણે અનેક ફ્લાઇટ્સ તેમજ ટ્રેન રદ્દ થતાં હજારો મુસાફરો એરપોર્ટ તેમજ સ્ટેશનો પર અટવાઇ ગયા હતા.

અમેરિકામાં નોર્થ-ઇસ્ટ તરફથી ત્રાટકેલા વાવાઝોડાંના કારણે ફરી એક વખત લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. 112 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાંને કારણે અમેરિકાના ઉત્તર-પૂર્વ વિસ્તારના હજારો ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. અમેરિકાના ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, કનેક્ટીક્ટ, પેન્સિલવેનિયા અને વર્જિનીયા સહિતના રાજ્યોમાં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો.

વાવાઝોડાને લીધે 11 વર્ષીય બાળકી સહિત 2 લોકોના મોત થયા છે. રાત્રિના સમયે અલગ-અલગ સ્થળોએ એક ટ્રક અને કાર પર વૃક્ષ પડવાને કારણે બંને મોત નિપજ્યા હતા. ન્યૂયોર્કમાં 11 વર્ષની બાળકી જ્યારે કારમાં હતી ત્યારે ભારે પવન ફૂંકાવાને કારણે કાર પર વૃક્ષ પડ્યું હતું. પરીણામે બાળકીનું મોત થયું હતું. બીજી તરફ કનેક્ટીકટમાં ટ્રક ખસેડતી વખતે વૃક્ષ પડતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.

બીજી તરફ વાવાઝોડાને કારણે મંગળવારે સાંજે એક હજારથી વધુ ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી હતી. જેના કારણે અનેક મુસાફરો એરપોર્ટ પર જ અટવાઇ પડ્યા હતા. તો ભારે વરસાદ અને પવનના કારણે અનેક ટ્રેન રદ્દ કરાઇ હતી. પરિણામે હજારો મુસાફરો ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન પર અટવાઇ ગયા હતા. આગામી દિવસોમાં પણ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. જેને લઇને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરાઇ રહ્યા છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter