24 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાંથી નમ્બી નારાયણને ન્યાય મળ્યો, આખરે શું હતો ઈસરો જાસૂસી કેસ

ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક નમ્બી નારાયણનની દાસ્તાન ખરેખર તો ફિલ્મી કહાની જેવી છે. પહેલા ષડયંત્ર રચી જાસૂસીનો આરોપ મુકાયો. અને ધરપકડ પછી કોર્ટમાં તારીખ પર તારીખ. આખરે 24 વર્ષોના વહાણા બાદ સુપ્રીમ કોર્ટમાંથી નમ્બી નારાયણનને ન્યાય મળ્યો. ત્યારે આવો જોઇએ શું હતો ઇસરો જાસૂસી કેસ.

ઇસરો જાસૂસી કેસ વર્ષ 1994માં સામે આવ્યો. 1994ના ઓક્ટોબરમાં માલદીવની મહિલા મરિયમ રાશિદાની થિરુવનંતપુરમથી ધરપકડ કરવામાં આવી. નવેમ્બર મહિનામાં ઇસરોના ટોચના વૈજ્ઞાનિક અને ક્રાયોજેનિક પ્રોજેક્ટના ડાયરેક્ટર નમ્બી નારાયણન સહિત વૈજ્ઞાનિકો ડી. શશિકુમારન અને ડેપ્યુટી ડાયરેક્ટરના ચંદ્રશેખરની ધરપકડ કરવામાં આવી. આ ઉપરાંત રશિયન સ્પેસ એજન્સીના ભારતીય પ્રતિનિધિ એસ.કે. શર્મા, એક લેબર કોન્ટ્રાક્ટર અને રાશિદાની માલદીવની દોસ્ત ફૌઝીયા હસનની પણ ધરપકડ કરાઇ. તમામ પર ઇસરોના સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન અંગેની ગુપ્ત જાણકારી પાકિસ્તાન તેમજ વિદેશોને વેચવાનો આરોપ મુકવામાં આવ્યો. આઇબીના અધિકારીઓની પૂછપરછમાં નમ્બીએ તમામ આરોપોનું ખંડન કર્યું.

ડિસેમ્બરમાં કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી. સીબીઆઇની તપાસમાં આઇબી અને કેરળ પોલીસના આરોપો ખોટા હોવાનું સામે આવ્યું. જાન્યુઆરી-1995માં ઇસરોના 2 વૈજ્ઞાનિકો અને વેપારીને જામીન પર મુક્ત કરાયા. જો કે માલદીવના બંને નાગરિકોને જામીન મળ્યા નહી. એપ્રિલ-1996માં સીબીઆઇએ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટની અદાલતમાં રિપોર્ટ ફાઇલ કરી જણાવ્યું કે જાસૂસીનો સમગ્ર કેસ ખોટો છે અને આરોપોના પક્ષમાં કોઇ પૂરાવા જ નથી. મે-1996માં કોર્ટે સીબીઆઇનો રિપોર્ટ સ્વીકાર્યો. અને ઇસરો જાસૂસી કેસના તમામ આરોપીઓને મુક્ત કર્યા. જે બાદ સીપીએમની નવી સરકારે સમગ્ર મામલાની ફરી તપાસના આદેશ આપ્યા.

1998ના મે મહિનામાં સુપ્રીમે કોર્ટે કેરળ સરકાર દ્વારા મામલાની ફરી તપાસના આદેશને ફગાવી દીધો. 1999માં નમ્બી નારાયણને વળતર માટે અરજી દાખલ કરી. 2001માં રાષ્ટ્રીય માનવાધિકાર પંચે કેરળ સરકારને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. પણ કેરળ સરકારે આ આદેશને પડકાર્યો. જે બાદ છેક સપ્ટેમ્બર-2012માં કેરળ હાઇકોર્ટે રાજ્ય સરકારને નમ્બીને 10 લાખ રૂપિયાનું વળતર આપવા આદેશ કર્યો. 2017ના એપ્રિલમાં સુપ્રીમે નમ્બીની અરજી પર પોલીસ અધિકારીઓ અંગે સુનાવણી શરૂ કરી. કેરળના પૂર્વ ડીજીપી અને 2 પૂર્વ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી ન કરવાના કેરળ હાઇકોર્ટના આદેશને પડકાર્યો હતો. 14 સપ્ટેમ્બર-2018ના રોજ સુપ્રીમે નમ્બીને 50 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો. સાથે જ પોલીસ અધિકારીઓની ભૂમિકાની તપાસ માટે કમિટી રચી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter