18 વર્ષ બાદ મેદાન પર ફરી જોવા મળ્યો અજીબ નજારો

રણજી ટ્રોફીની ગ્રુપ ડી માં મંગળવારે પશ્વિમ બંગાળ અને છત્તીસગઢ વચ્ચે રમાયેલ મેચ દરમિયાન એક એવો નજારો જોવા મળ્યો, જે કદાચ પ્રથમ વખત રણજી ટ્રોફીના ઇતિહાસમાં જોવા મળ્યો હશે. આ મેચમાં પશ્વિમ બંગાળના કપ્તાન મનોજ તિવારીએ એકાદ-બે નહીં પણ પૂરા નવ ખેલાડીઓને સ્લિપમાં ઉભા રાખીને લોકોને આશ્વર્યમાં મૂકી દીધા હતા.

કપ્તાન મનોજ તિવારીને ખબર પડી ગઇ હતી કે, આ વિકેટ પર ઝડપી બોલરનો મદદ મળી રહી છે. તિવારીએ છત્તીસગઢ પર દબાણ બનાવી રાખવા માટે ઝડપી બોલર મોહમ્મદ શમી અને અશોક ડિંડાની બોલિંગને જોતા સ્લિપમાં નવ ફિલ્ડર ઉભા રાખ્યા હતા. શમી અને ડિંડા જ્યારે સ્લિપમાં નવ ફિલ્ડરોની સાથે બોલિંગ કરતા નજરે આવ્યા ત્યારે દર્શકો પણ દંગ રહી ગયા હતા.

જો કે, તિવારીના સ્લિપમાં નવ ફિલ્ડ ઉભા રાખવાનું પરિણામ એ આવ્યું કે, છત્તીસગઢની ટીમ 110 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. ડિંડાએ 7 અને શમીએ 2 વિકેટ લીધી હતી. આમ, છત્તીસગઢની ટીમને ફોલોઅન રમવા માટે આવવું પડ્યું હતું. જો કે, ફોલોઅન રમવા ઉતરેલી છત્તીસગઢની ટીમ બીજી ઇનિંગ્સમાં પણ 259 રન બનાવી શકી હતી અને પશ્વિમ બંગાળ આ મેચ એક ઇનિંગ્સ અને 160 રનથી જીત્યું હતું. બીજી ઇનિંગ્સમાં શમીએ 6 અને ડિંડાએ 3 વિકેટ લીધી હતી. ઉલ્લખેનીય છેકે, આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પશ્વિમ બંગાળની ટીમે 529 રન બનાવ્યા હતા.

18 વર્ષ જૂની યાદ તાજી થઇ

મનોજ તિવારી દ્વારા નવ ફિલ્ડરોને સ્લિપમાં ઉભા રાખવાના નિર્ણયથી ક્રિકેટ પ્રશંસકોને 18 વર્ષ જૂની એ યાદો તાજી કરી દીધી, જ્યારે 23 ઓક્ટોબર 1999ના રોજ ઓસ્ટ્રેલિયાના તત્કાલીન કપ્તાન સ્ટીવ વો એ ઝિમ્બાબ્વે સામે સ્લિપમાં નવ ફિલ્ડરો ઉભા કરી દીધા હતા. હરારેમાં રમાયેલી બીજી વન ડે મેચ દરમિયાન સ્ટીવ વોએ નવમા નંબરના ખેલાડી ડેવિડ મુટેંદ્રા પર માનસિક દબાણ બનાવી રાખવા માટે સ્લિપમાં નવ ફિલ્ડરો ઉભા રાખ્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter