અદાણીને ઓસ્ટ્રેલિયા કોલસા ખાણ પ્રોજેક્ટ માટે બેંકેનો લોન માટે ઇન્કાર

અદાણી ગ્રૂપના ઓસ્ટ્રેલિયા ખાતેના કોલસાની ખાણના પ્રોજેક્ટ આડે ઉભા થયેલા અવરોધો ઘટવાનું નામ નથી લેતાં. બે દિવસ પહેલાં જ ચીનની બે બેંકોએ અદાણી ગ્રૂપને તેના પ્રોજેક્ટ માટે લોન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો અને હવે ત્રીજી એક બેંકે પણ અદાણીના આ વિવાદાસ્પદ પ્રોજેક્ટને લોન આપવાની ઘસીને ના કહી દીધી હતી.

જો કે ભારત ખાતેના ઓસ્ટ્રેલિયન રાજદૂત હરિન્દર સિદ્ધુએ આજે એમ કહ્યું હતું કે અદાણી ગ્રૂપે ઓસ્ટ્રેલિયાના તમામ નિયમો અને શરતોનું પાલન કર્યું છે અને ઓસ્ટ્રેલિયા તેમના પ્રોજેક્ટનું સ્વાગત કરે છે.

અદાણીનો આ કોલ માઇન્સ પ્રોજેક્ટ આરંભથી જ વિવાદોના વમળોમાં ઘેરાતો રહ્યો છે. આરંભમાં દેશના પર્યાવરણવિદના બનેલા સામાજિક સંગઠનોએ પર્યાવરણનું બહાનું આગળ ધહરીને આ પ્રોજેક્ટનો દેશ વ્યાપી વિરોધ કર્યો હતો ત્યારબાદ જે રાજ્યમાં આ પ્રોજેક્ટ આકાર લેવાનો છે તે ક્વિન્સલેન્ડ રાજ્યની સરકારે પણ હવે આ પ્રોજેક્ટ સામે બાંયો ચઢાવવાનું શરૂ કરી દીધું છે. ક્વિન્સલેન્ડની રાજ્ય સરકારે તો ત્યાં સુધી ધમકી આપી દીધી હતી કે જો ઓસ્ટ્રેલિયાની ફેડરલ ગવર્મેન્ટલ આ પ્રોજેક્ટ માટે લોન મંજૂર કરશે તો તે લોનની સામે વીટો સત્તાનો ઉપયોગ કરવામાં આવશે.

બેંક ઓફ ચાઇના અને ઇન્વેસ્ટેક બેંક દ્વારા આજે બે અલગ અલગ અખબારી યાદી બહાર પાડવામાં આવી હતી જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અદાણી ગ્રૂપના ઓસ્ટ્રેલિયા ખાતેના વિવાદાસ્પદ પ્રોજેક્ટ માટે લોન આપવાનો તેઓનો કોઇ ઇરાદો કે આશય નથી. અદાણીના કારમાઇકલ કોલ માઇન પ્રોજેક્ટ માટે બેંક ઓફ ચાઇનાએ કોઇ લોન આપી નથી અને લોન આપવાનો કોઇ ઇરાદો પણ નથી એમ બેંક ઓફ ચાઇના દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું.

સમાન રીતે ધ ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્સિયલ બેંક ઓફ ચાઇનાએ પણ રવિવારે બહાર પાડેલા એક સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે તેઓ પણ અદાણી ગ્રૂપના ઓસ્ટ્રેલિયા ખાતેના પ્રોજેક્ટ માટે લોન આપવાનો કોઇ ઇરાદો ધરાવતા નથી એમ ધ ગાર્ડિયન અખબાર અખબાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલાં એક અહેવાલમાં બેંકના પબ્લિક રિલેશન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનને ટાંકીને કહેવામાં આવ્યું હતું. જો કે ઓસ્ટ્રેલિયાના ભારત ખાતેના રાજદૂત હરિન્દર સિદ્ધુએ કહ્યું હતું કે અદાણી ગ્રૂપે તમામ નિયમો અને શરતોનું પાલન કર્યું છે અને તેથી ઓસ્ટ્રેલિયા આ ગ્રૂપ દ્વારા થનારા રોકાણોનું અને પ્રોજેક્ટનું સ્વાગત કરશે, કેમ કે આ પ્રોજેક્ટની મદદથી ઓસ્ટ્રેલિયામાં વિદેશી રોકાણો આવશે અને હજારોની સંખ્યામાં નવી નોકરીઓનું સર્જન થશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter