કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર પુનર્વિચારણાને અવકાશ : અબ્દુલ બાસિત

ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ફાંસીની સજા મામલે પાકિસ્તાનના ભારત ખાતેના હાઈકમિશનર અબ્દુલ બાસિતે મોટું નિવેદન આપ્યું છે. બાસિતે કહ્યું છે કે જાધવની સજા પર પુનર્વિચારણાનો અવકાશ છે. અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં અબ્દુલ બાસિતે કહ્યું છે કે જ્યાં સુધી જાધવનો મામલો આંતરરાષ્ટ્રીય અદાલતમાં છે. ત્યાં સુધી તેને ફાંસી નહીં આપવામાં આવે.

અબ્દુલ બાસિતે કહ્યું કે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનો ચુકાદો આવવામાં બે-ત્રણ વર્ષ ભલે લાગે, પણ કુલભૂષણ જાધવને ત્યાં સુધી ફાંસી આપવામાં નહીં આવે. બાસિતે એમ પણ કહ્યું છે કે પાકિસ્તાન ચાહે છે કે આંતરરાષ્ટ્રીય અદાલતનો ચુકાદો ઝડપથી આવે. અબ્દુલ બાસિતે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટ સિવાય પણ કુલૂભૂષણ જાધવની પાસે ફાંસીની સજાથી બચવાના ઉપાયો છે. જો કોર્ટ ઓફ અપીલમાંથી પણ જાધવની વિનંતી નામંજૂર થઈ જાય છે, તો પણ તેની પાસે અપીલનો મોકો છે. તેમણે કહ્યું છે કે જાધવ પહેલા પાકિસ્તાની સેના પ્રમુખને દયાની અરજી કરી શકે છે. તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખને દયાની અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાને 46 વર્ષીય ભૂતપૂર્વ ભારતીય નૌસેના અધિકારી કુલભૂષણ જાધવને માર્ચ-2016માં ધરપકડ કરી હતી. ત્યારબાદ પાકિસ્તાનની એક સૈન્ય અદાલતે ભારતીય નાગરિક જાધવને જાસૂસી અને વિધ્વંસક પ્રવૃત્તિઓના આરોપમાં ફાંસીની સજા આપી છે.

ભારતે આ મામલે 8 મેના રોજ આઈસીજેમાં અપીલ કરી હતી અને બાદમાં આંતરરાષ્ટ્રીય અદાલતે ફાંસીની સજા પર રોક લગાવી દીધી હતી. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જાધવની ફાંસી પર રોક લગાવતો વચગાળાનો ચુકાદો પાકિસ્તાન માટે એક મોટો કૂટનીતિક આંચકો છે. હાલ જાધવ પર ફાંસીનો મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં વિલંબિત છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter