વેનેઝુએલામાં આર્થિક સંકટ : અમેરિકાએ હાથ ઉંચા કરી દીધા, ચીનને મોકળુ મેદાન

વેનેઝુએલાના આર્થિક સંકટ પર અમેરિકાએ મદદ કરવાને બદલે હાથ અધ્ધર કરી દીધા છે. જેના કારણે ચીનને મોકળુ મેદાન મળી ગયું છે. ગૃહયુદ્ધની સ્થિતીમાં આવી ગયેલા વેનેઝુએલાના રાષ્‍ટ્રપતિ નિકોલસ માદૂરો આના માટે કારણભૂત મનાઇ રહ્યા છે.

 લેટિન અમેરિકન દેશોમાં વેનેઝુએલાનો જમાનો હતો ત્યારે તે દોમદોમ સમૃદ્ધીમાં આળોટતુ હતુ. અહીના ક્રૂડ ઓઇલના જોરે દેશનુ અર્થતંત્ર ધબકતુ હતુ. પરંતુ ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા કડાકાએ અહીના અર્થતંત્રની પણ કેડ ભાંગી નાખી. બેવડ વળી ગયેલા વેનેઝુએલાને અમેરિકાએ તો મદદ નથી કરી પણ રશિયા પડખે જરૂર ઉભુ છે. આમ તો વેનેઝુએલાનુ અર્થતંત્ર સંપૂર્ણ રીતે ક્રૂડ ઓઇલ પર નિર્ભર છે. અહીયા સાઉદી અરબ કરતા પણ વધુ ક્રૂડ ઓઇલના ભંડાર છે. પરંતુ અહી સાઉદી કરતા અલગ પ્રકારનુ પેટ્રોલિયમ છે. સાદી ભાષામાં કહીએ તો હેવી પેટ્રોલિયમના અહીં ભંડાર છે. જેને રીફાઇન કરવુ ખર્ચાળ છે. આ જ કારણે અન્ય દેશો કરતા અહીનુ ક્રૂડ પણ સસ્તુ છે. પણ હવે સ્થિતી બદલાઇ ચૂકી છે. એક સમય હતો જ્યારે અહી દૈનિક ત્રીસ લાખ બેરલ ક્રૂડ નીકળતુ હતુ. પણ હવે માંડ અઢી લાખ ક્રૂડ ઓઇલનુ ઉત્પાદન થાય છે.અમેરીકા ઉપરાંત ભારત જ એક માત્ર દેશ છે જે કેશમાં અહીથી ક્રૂડ ખરીદે છે.તો ભારતના ફાર્મા ઉદ્યોગ માટે પણ વેનેઝુએલા મહત્વપૂર્ણ બજાર છે.

અહી એ જાણવુ પણ મહત્વનુ છે કે ક્રૂડના ભાવમાં આવેલા કડાકાની સૌથી ઘેરી અસર વેનેઝૂએલાને થઇ છે. વેનેઝુએલાની આવકના ૯પ ટકા હિસ્સો ક્રૂડના કારણે છે. ર૦૧૩- ૧૪માં જ્યાં સોથી એકસો ચાલીસ ડોલરે ક્રૂડ બેલર વેચાતુ હતુ તે હવે માદુરોના સમયમાં રપ ડોલરે આવી ગયું છે. ત્રણ વરસ પહેલા વેનેઝુએલાએ ૭પ બિલિયન ડોલર તેલની નિકાસ કરી હતી. ર૦૧૬માં આ ઘટીને ર૭ બિલિયન ડોલર થઇ ગયું છે.

વેનેઝુએલાના અર્થતંત્ર બાદ અહીના રાજકારણને પણ સમજવુ જરૂરી છે. ર૦૧પમાં અહી થયેલી ચૂંટણીમાં રાષ્‍ટ્રપતિ માદુરોની પાર્ટી બહુમત નહોતી મેળવી શકી. સત્તા છોડવાને બદલે માદુરોએ ૧પ જાન્યુઆરી ર૦૧૬માં અહી આર્થિક કટોકટી લાદી દીધી. વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે પણ માદુરોના આદેશને લીલી ઝંડી આપી હતી. જોકે વિપક્ષએ માદુરો સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. એ વખતે પણ લાખોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter