રાજકોટમાં પાલિકાની સામાન્ય સભામાં પાણી મુદ્દે કોંગ્રેસનો હોબાળો, કોંગ્રેસ-ભાજપ સભ્યો વચ્ચે મારામારી

રાજકોટ મહાપાલિકાની સામાન્ય સભા મારામારીનો પગલે કલંકિત બની છે. દિવાળી પહેલા જ ભાજપ-કોંગ્રેસના સદસ્યો બાખડી પડતા હોબાળો થયો હતો. મામલો એટલો ઉગ્ર બન્યો બંને સદસ્યો શેરીના ગુંડાઓની જેમ બાખડી પડ્યા હતા. રાજકોટના દ્રશ્યોએ  વિધાનસભાની ચૂંટણી થશે તેનો અંદાજ આપી દીધો છે.

રાજકોટ મહાપાલિકાનું દિવાળી પહેલાનું આખરી જનરલ બોર્ડ એક શબ્દ ને કારણે કલંકિત બન્યું , શબ્દ હતો ” કાળી ચૌદશ “, જી હા આજે કાળી ચૌદશનો દિવસ છે, આ શબ્દનો પ્રયોગ ભાજપના પૂર્વ મેયર ઉદય કાનગડ દ્વારા કોંગ્રેસ અને કોંગ્રેસના નગરસેવકો માટે કરવામાં આવ્યો.

 જેને પગલે હંગામો થયો. વાત મારામારી સુધી પહોંચી ગઈ, ઉદય કાનગડ અને વિજય વાંક વચ્ચે છુટા હાથની મારામારી થઇ. નગરસેવકો શેરીના છોકરાઓ બાખડે તેમ મારામારી કરવા લાગ્યા. સંગ્રામ ઘટના અંગે કોંગ્રેસને અને કોંગ્રેસી સદસ્યોને કાળી ચૌદસ કહેનાર ઉદય કાનગડ પોતાના નિવેદન ઉપર કાયમ હોવાનું જણાવી રહ્યા છે. સમગ્ર ઘટના અંગે સભાના અધ્યક્ષ અને મેયર એ પોતે વિવાદાસ્પદ શબ્દો સાંભળ્યા જ ન હોવાનું જણાવી મામલે હાથ ખંખેરી નાખ્યા હતા.

કોંગ્રેસે સમગ્ર બનાવને ભાજપની ગુંડાગીરી ગણાવી છે. મામલો કંઇક એવો હતો કે રાજકોટમાં કોંગ્રેસના નગરસેવકોને વૉર્ડમાં પાણી ન મળતું હોવાની ફરિયાદ કરી. એટલું જ નહિ વિકાસ કામો પણ ઠપ્પ કરી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના સદસ્યોએ કર્યો અને ચર્ચાની માંગણી કરી હતી. જે સભા અધ્યક્ષે ફગાવી દીધી.

આ દરમિયાન પૂર્વ મેયર ઉદય કાનગડની એન્ટ્રી થઇ અને કોંગ્રેસને “કાળી ચૌદસ” કહી દીધું.  આ શબ્દો એ કોંગ્રેસીઓને ઉશ્કેરી નાખ્યા અને બંને પક્ષે હાથોહાથની લડાઈ સર્જાઈ ગઈ.

કમાન માંથી છુટેલું તિર અને જીભ માંથી નીકડેલા શબ્દો ક્યારેક સારું કરે છે તો ક્યારેક યુદ્ધ પણ કરાવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકોટમાં ભાજપ કોંગ્રેસ વચ્ચેની વૈચારિક લડાઈ હવે હાથાપાઈ સુધી પહોંચી છે.  ત્યારે આગાઝ આવો થયો છે તો અંજામ કેવો રહેશે તે જોવાનું રહ્યું છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter