મહાનાયક અમિતાભ બચ્ચન જોવા મળશે ગુજરાતી ફિલ્મમાં, જુઓ કઈ ફિલ્મમાં?

ગુજરાતી ફિલ્મો હવે બદલાઈ રહી છે. બોલિવૂડમાં પણ જાણીતા હોય તેવા ગુજરાતી કલાકારો ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા તૈયાર થઈ રહ્યા છે. પણ આવી કલ્પના કોઈએ નહીં કરી હોય કે બોલિવૂડના મહાનાયક એવા ખુદ અમિતાભ બચ્ચન પણ એક દિવસ ગુજરાતી ફિલ્મોમાં કામ કરતા જોવા મળશે. વાત થઈ રહી છે અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘કેરી ઓન કેસર’ ની. જેમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન એક કેમિયો રોલ કરતા જોવા મળશે.

સુપ્રિયા પાઠકની ડેબ્યુ ગુજરાતી ફિલ્મ ‘કેરી ઓન કેસર’ આમ તો ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મની વાર્તા એક મોટી ઉંમરના યુગલની છે જેઓ નિ:સંતાન છે. પણ આખરે 50 વર્ષે કેસર આઈવીએફની મદદથી બાળકને જન્મ આપવા તૈયાર થાય છે. ત્યારે અમિતાભ અને જયા તેમના આ નિર્ણયને વખાણતા તેમને સંદેશ મોકલે છે.

ફિલ્મના ડાયરેક્ટર વિપુલ મહેતા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ છે કે, અમિતાભ બચ્ચનને આ ફિલ્મની વાર્તા એટલી ગમી ગઈ હતી કે માત્ર એક ઈમેઈલ મોકલતા એક દિવસમાં જ તેઓ કેમિયો કરવા તૈયાર થઈ ગયા હતા. તો સાથે જયા બચ્ચન પણ આ રોલ કરવા માટે બિલકુલ તૈયાર હતા. ખાસ કરીને આઈવીએફનો મુદ્દો જે રીતે ફિલ્મમાં રજૂ કરાયો છે તે વાત અમિતાભ બચ્ચનને ઘણી ગમી હતી.

ગુજરાતી ફિલ્મોના બદલાઈ રહેલા દોરમાં આ વાત ખરેખર ઘણી પ્રોત્સાહક કહેવાય કે બોલિવૂડના મહાનાયક ગુજરાતી ફિલ્મ સાથે જોડાઈ રહ્યા છે. કેરી ઓન કેસર ફિલ્મમાં સુપ્રિયા અને દર્શન જરીવાલા સિવાય ગુજ્જુ ગર્લ અવની મોદી અને રિતેશ મોભ પણ જોવા મળવાના છે. 17મી ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મનું મ્યુઝિક ગુજરાતી મ્યુઝિક કમ્પોઝર સચિન-જીગરે આપ્યુ છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter