ભાજપને મ્હાત આપવા કોંગ્રેસ ટિકિટ ફાળવણીમાં આ દાવ રમી શકે છે

હવે કોંગ્રેસ જ્ઞાતિવાદનું કાર્ડ ખેલશે. કોંગ્રેસ આ વખતની ચૂંટણીમાં પાટીદાર, ઓબીસી, દલિત ફેક્ટર આધારે ટિકિટો આપશે. ચૂંટણીના જાહેરનામા બાદ પ્રથમ યાદી જાહેર થશે. હોટલમાં યોજાયેલી સ્ક્રીનીંગ કમિટીમાં 80 બેઠકો પર એક નામની ચર્ચા થઇ હતી. સાથે જ રાહુલ ગાંધીની ટીમે કરેલો સર્વે રજૂ કરાયો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતી શકે તેવા સક્ષમ ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતારવા કોંગ્રેસે કમર કસી છે. કોંગ્રેસે આ વખતે જ્ઞાતિવાદ આધારે ટિકીટ આપવાનું અંદરખાને નક્કી કર્યુ છે. આ ઉપરાંત નવા રાજકીય સમીકરણોને પણ ધ્યાનમાં રાખીને ટિકીટની વહેંચણી કરશે.

સૂત્રોના મતે બાલાસાહેબ થોરાટની આગેવાનીમાં એક હોટલમાં કોંગ્રેસ સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં કયા મત વિસ્તારમાં કયા દાવેદારનું રાજકીય પ્રભુત્વ મજબૂત છે કયા ઉમેદવારનું જ્ઞાતિ આધારિત પકડ છે સ્થાનિક રાજકીય સમીકરણ આધારે કોણ જીત મેળવી શકે છે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કુલ ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોની ચર્ચા કરવામાં આવી હતી.

જોકે ૮૦ બેઠકો પર તો એક નામની ચર્ચા થઈ હતી. આ વખતે કોંગ્રેસ ફૂંક મારીને એક એક ડગલુ આગળ વધવા માંગે છે એટલે જ સક્ષમ ઉમેદવારને શોધી રહી છે.

 કોંગ્રેસ પાટીદાર, દલિત, લઘુમતી, ઓબીસી સહિતની અન્ય જ્ઞાતિઓના સમીકરણ, મતોને ધ્યાનમાં લઇને ટિકીટો વહેંચવા માંગે છે. કોંગ્રેસે ભાજપને મ્હાત કરવા પાટીદારોને વધુ ટિકીટ આપવા મન બનાવી ચૂકી છે. જોકે, બીજી તરફ લઘુમતી દાવેદારોને ઓછી ટિકીટ મળે તેમ છે. તેથી અત્યારથી અંદરોઅંદર ઘુઘવાટ ઉભો થયો છે.

સૂત્રોનું કહેવું છે કે ચૂંટણીનું જાહેરનામુ બહાર પડે પછી ટૂંક જ સમયમાં પ્રથમ યાદી જાહેર થઇ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાવનગર મુલાકાત બાદ ગુજરાતની ચૂંટણીઓ જાહેર થઇ શકે છે પરિણામે ૨૬-૨૭મીએ પ્રથમ યાદી જાહેર થવાની સંભાવના છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter