પોર્ટુગલના જંગલોમાં ભીષણ આગ, ૬રથી પણ વધુ લોકોના મોત

પોર્ટુગલના જંગલોમાં લાગેલી ભીષણ આગમાં ૬રથી પણ વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.

જંગલમાં લાગેલા દાવાનળથી બચવા લોકો કારમાં ભાગી રહ્યાં હતાં. તેમ છતાં આગ એટલી ઝડપથી અને વિકરાળ હતી કે કારમાં જતાં લોકોને પણ ભરખી ગઇ હતી.

પોર્ટુગલના જંગલના રસ્તાઓ પર અનેક કારો સળગેલી હાલતમાં મળી આવી છે. મધ્ય પોર્ટુગલમાં આવેલા જંગલમાં આ ભીષણ આગ લાગી હતી. આગથી બચવા અલગ અલગ કારમાં જઇ રહેલા ૩૦ જેટલા લોકો કારમાં જ સળગી જતાં મોત થયા હતાં.

આગ એટલી ભીષણ છે કે તેના પર કાબૂ મેળવવા માટે ૧૭૦૦ જેટલા ફાયર ફાઇટર્સને કામે લગાવવા પડ્યા હતાં. આ ઉપરાંત ૨૦૦ જેટલા ફાયર ટ્રક અને અન્ય વાહનોને આગ પર કાબુ મેળવવા માટે કામે લાગ્યા છે.

જંગલમાં લાગેલા આ દાવાનળે અંદાજે ૫૦ કિમી સુધીના વિસ્તારને ઝપેટમાં લઇ લીધો છે. વિકરાળ આગને કાબૂમાં લેવા અન્ય દેશો પણ પોર્ટુગલની મદદે આવ્યા છે. સ્પેને વોટર બોમ્‍બિંગ પ્‍લેન મોકલ્યા છે. તો યુરોપિયન યુનિયને પણ મદદની ખાતરી આપી છે.

મહત્વનું છે કે પોર્ટુગલમાં આ વર્ષે દુષ્કાળની સ્થિતિ પણ છે. અનેક વિસ્તારોમાં તાપમાન ૪૦ ડીગ્રીથી વધારે નોંધાયુ છે. આ આગની સૌથી વધુ અસર લેરીઆ પ્રાંતમાં જોવા મળી રહી છે.

જંગલોની આસપાસના ગામો આ આગની લપેટમાં આવી જતા મોટા પાયે સ્થળાંતર કરવામાં આવ્યુ છે. તોફાની વાવાઝોડા દરમિયાન વીજળી ત્રાટકતા આ આગ લાગી હોવાનુ પ્રાથમિક પણે મનાઇ રહ્યુ છે.

પોર્ટુગલના પિદરાડો ગ્રાન્ડ નામના જંગલમાં આ આગ લાગી છે. આ આગે કેવી તબાહી મચાવી છે તેના ડ્રોન ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જંગલમાંથી પસાર થતી કારો આગમાં બળીને ખાખ થઇ ગયેલી નજરે પડે છે. મહત્વનુ છે કે જે ૬ર જણા મૃત્યુ પામ્યા છે તેમા અડધો અડધ લોકો કારમાં જીવતા ભૂંજાઇને મોતને ભેટ્યા છે.

દુષ્‍કાળ સામે ઝઝુમી રહેલા પોર્ટુગલના પાનખરના જંગલમાં આ ભીષણ આગે જોતજોતામાં હજારો હેક્ટરના વિસ્તારને તેના ઝપેટમાં લઇ લીધો હતો. આગ એટલી ભીષણ છે કે તેના કારણે વાતાવરણમાં પણ ધુમાડાની જાડી ચાદર છવાઇ ગઇ છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.

પોર્ટુગલમાં તાજેતરના વરસોનો આ સૌથી ભયંકર દુર્ઘટના છે. પોર્ટુગલ સરકારે ત્રણ દિવસના રાષ્‍ટ્રીય શોકની પણ જાહેરાત કરી છે. શનિવારે આ આગ લાગી હતી. જે ભારે પવનને કારણે આખા જંગલમાં દાવાનળ રૂપે ફેલાઇ ગઇ હતી. લિસ્બનથી એકસો નેવુ કિલોમીટર દૂર આ વિસ્તાર આવેલો છે.

આ આગને કાબૂ મેળવવા દરમિયાન ફાયર બ્રિગેડના આઠ જેટલા જવાન પણ ઘાયલ થયા છે. જેમાંથી ચારની હાલત ગંભીર છે. આગ પર કાબૂ મેળવવા માટે સ્પને ઉપરાંત ફ્રાન્સ પણ મદદ માટે પહોંચ્યું છે. આગ લાગ્યાના ૩૬ કલાકથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે તેમ છતા આગ પર હજુ કાબૂ મેળવી શકાયો નથી. ઉચું તાપમાન અને પવનને કારણે આગ પર નિયંત્રણ મેળવવુ મુશ્‍કેલ બન્યુ છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter