પેન્ટાગનનો રિપોર્ટ, હિંદ-પેસેફિક ક્ષેત્રમાં ચીન કરી શકે છે ઉથલ-પાથલ

હિંદ અને પેસિફિક મહાસાગર વિસ્તારમાં ઉથલ-પાથલ કરીને ચીન પોતાના પાડોશી દેશોમાં અસંતોષ પેદા કરે તેવી શક્યતા પેન્ટાગને વ્યક્ત કરી છે. અમેરિકાની સંસદમાં રજૂ કરાયેલા બજેટ રિપોર્ટમાં પેન્ટાગને કહ્યું છે કે સૈન્ય આધુનિકીકરણ અને આર્થિક નીતિઓના દમ પર ચીન પોતાના પાડોશી દેશો પર પ્રભાવ વધારી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે, અમેરિકામાં પેન્ટાગન દ્વારા સંરક્ષણ બજેટ પ્રસ્તાવ રજૂ કરવામાં આવતો હોય છે. હાલ રજૂ થયેલા બજેટનો સમયગાળો પહેલી ઓક્ટોબર-2018થી 30 સપ્ટેમ્બર-2019 સુધીનો છે.

અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગન દ્વારા કહેવામાં આવ્યું છેકે ચીનની સેના લાંબાગાળાની રણનીતિઓ પર કામ કરી રહી છે. જેથી દુનિયામાંથી અમેરિકાની અસરને ઘટાડી શકાય અને ચીન આમ કરીને પોતાનો પ્રભાવ વધારી શકે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવી પરિસ્થિતિઓમાં અમેરિકાને વૈશ્વિક મહાસત્તા તરીકે યથાવત રહેવા માટે પોતાની નીતિઓ પર પુનર્વિચારણા કરવાની જરૂરત છે. તેની સાથે જ રાષ્ટ્રીય સુરક્ષાને નવેસરથી આખરી ઓપ આપવાની જરૂર હોવાનું પણ પેન્ટાગને જણાવ્યું છે.

પેન્ટાગનના રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીન અને રશિયા સાથે મળીને દુનિયામાં પોતાનું વર્ચસ્વ વધારવાની દિશામાં કામ કરી રહ્યા છે. તેના માટે બંને દેશો એક એવા મોડલ પર કામ કરી રહ્યા છે કે જેનાથી દુનિયાની કૂટનીતિ, આર્થિક નીતિ અને સુરક્ષા પર આની અસર દેખાઈ રહી છે.

જોર્જિયા, ક્રીમિયા અને પૂર્વ યુક્રેનમાં જે પ્રકારે આધુનિક તકનીકનો ઉપયોગ થઈ રહ્યો છે. તેના કારણે અમેરિકા ચિંતિત હોવાનું પણ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. આ ક્ષેત્રમાં પરમાણુ હથિયારોની દોડ પણ સતત વધી રહી છે. જેના કારણે જનસુરક્ષા પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. પેન્ટાગન પ્રમાણે, ઈરાન અને ઉત્તર કોરિયા જેવી તાનાશાહી ધરાવતા દેશો પાસે પણ પરમાણુ હથિયાર છે અને આ ક્ષેત્રોમાં આતંકવાદને પણ પ્રાયોજિત કરાઈ રહ્યો છે.

ઉત્તર કોરિયાનો તાનાશાહ સત્તામાં રહેવા માટે પરમાણુ, રાસાયણિક અને પરંપરાગત હથિયારોનો સહારો લઈ રહ્યો છે. તેની સાથે જ તે બેલેસ્ટિક મિસાઈલ તકનીકને પણ પ્રોત્સાહિત કરી રહ્યો છે. તેની અસર દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકાની સુરક્ષા પર પણ પડશે. તો મધ્ય-પૂર્વ એશિયામાં ઈરાન એક એવા દેશ તરીકે ઉભરી રહ્યું છે કે જે પોતાના પાડોશી દેશો સાથે પ્રતિસ્પર્ધાને કારણે ક્ષેત્રમાં અસ્થિરતા વધારવાનું કારણ બની રહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter