પાણીની સમસ્યા : પાણી પુરવઠાના ચેરમેનનો શંકાસ્પદ નિર્ણય ટોક ઑફ ધ ટાઉન

પાલનપુર નગરપાલિકાના પાણીની સમસ્યાને દૂર કરવા અંગેના એક નિર્ણય સામે સવાલો ઉઠયા છે. કારણકે નગરપાલિકાએ જે નિર્ણય કર્યો છે. તેમાં અઢી કરોડનું આંધણ થવા જઇ રહ્યુ છે.

પાલનપુર નગરપાલિકાનો અણઘડ વહીવટ અને પીવાના પાણી જેવી ગંભીર સમસ્યાને મામલે પાલનપુર નગરપાલિકાનો પાણી પુરવઠા વિભાગ બેદરકાર છે. પાલનપુર પાલિકા પાણી પુરવઠા ચેરમેનનો શંકાસ્પદ નિર્ણય ટોક ઓફ ટાઉન બન્યો છે. પાલનપુરમાં દસ જેટલા બોર બંધ છે. એ ચાલુ કરાવવાને બદલે અઢી કરોડના ખર્ચે સાત નવા બોર મંજુર કરાયા છે. જોકે આગામી ઉનાળામાં પાણી ની સમસ્યા જોતાં આ બોર ક્યારે બનશે. તે સવાલ ઉઠ્યો છે.

પાલનપુર ભાજપ શાસિત નગરપાલિકા છે ત્યારે વિપક્ષ સભ્યના વિસ્તારમાં જ પાંચ જેટલા પીવાના પાણીના બોર બંધ છે. જોકે, વિપક્ષ હોવાથી ઓરમાયું વર્તન શાસક પક્ષ કરી રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. પાલનપુર નગરપાલિકા પાણી પુરવઠા વિભાગમાં ચેરમેન સામે નગરસેવક ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે ત્યારે સ્થાનિકોની જુના બોર ચાલુ કરાવવાની માંગ ઉઠી છે.

પાલનપુર શહેરમાં છેલ્લા 2 વર્ષથી દસ જેટલા બંધ બોરની મરામત નથી કરાતી. જે વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે એ વિસ્તારના બોર ચાલુ કરવાને બદલે અર્થ વગરના સાત બોર નવા મંજુર કરી લોકોને ગુમરાહ કરવાનો પાલિકાએ માર્ગ શોધ્યો છે. જેને લઈને ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. પાલનપુર શહેરમાં નગરપાલિકા સાત નવા બોર મંજુર કરી અઢી કરોડનું આંધણ કરવાની છે ત્યારે આ નિર્ણય કેટલો યોગ્ય છે તે સમજવા જેવી બાબત છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter