પાક. આતંકીઓની LOC પરથી ઘૂસણખોરી કરાવવામા નિષ્ફળ

પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામ ઉલ્લંઘનની ઘટનાઓમાં વધારો થયો છે. આ અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં ગૃહ મંત્રાલયે પોતાના લેખિત જવાબમાં સંસદમાં આ જાણકારી આપી. જમ્મુ-કાશ્મીરમાં 2018ના શરૂઆતી બે મહિનામાં માત્ર કુલ 432 વખત યુદ્ધવિરામ ભંગની ઘટનાઓ બની છે.

પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીર સરહદે અવાર નવાર યુદ્ધવિરામ ભંગ કરવામાં આવે છે. કોઇ પણ કારણ વગર પાકિસ્તાનના ગોળીબારના કારણે સરહદ ધણધણી ઉઠે છે ત્યારે ભારતીય જવાનો બેગણી આક્રમકતાથી પાકિસ્તાનના આ દુસાહસનો જવાબ આપતા રહ્યા છે. ત્યારે ગૃહ મંત્રાલય મુજબ જમ્મુ-કાશ્મીરમાં સેનાના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં એલઓસી પર પાકિસ્તાને 2015માં 152 વખત, 2016માં 228 વખત, 2017માં 860 વખત અને 2018માં ફેબ્રુઆરી સુધીમાં 432 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો. જ્યારે કે બીએસએફના નિયંત્રણ હેઠળ આંતરરાષ્ટ્રીય સરહદે 2015માં 253 વખત, 2016માં 221 વખત, 2017માં 111 વખત અને 2018માં 201 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો.

ગૃહ મંત્રાલય તરફથી લેખિત નિવેદન સંસદમાં જણાવાયું કે, યુદ્ધવિરામ ભંગના કારણે સરહદ પર 2018માં ફેબ્રુઆરી સુધીમાં 12 નાગરીક, 6 સૈન્ય જવાન અને ચાર બીએસએફના જવાન શહીદ થયા.

જાણકારી મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને પાકિસ્તાની સેના મળીને સરહદ પારથી યુદ્ધવિરામની ઘટનાને સતત અંજામ આપી રહ્યા છે. આ યુદ્ધવિરામનો ભંગ કાશ્મીર ખીણમાં ભારતીય સુરક્ષાદળો દ્વારા ચલાવાઇ રહેલા ઓપરેશન ઓલઆઉટની સફળતાથી ગિન્નાઇને કરવામાં આવી રહ્યો છે.

ગત વર્ષથી પાકિસ્તાની એલઓસી પરથી સીધી રીતે આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવામાં નિષ્ફળ રહ્યું છે. જેથી તે યુદ્ધવિરામ ભંગની આડમાં આતંકવાદીઓની વધુમાં વધુ ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સૂત્રો મુજબ સરહદ પાર લોન્ચિંગ પેડ પર આતંકવાદીઓની ઉપસ્થિતિ છે અને પાકિસ્તાની સેના ફાયરિંગની આડમાં આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહી છે. પરંતુ ભારતીય સુરક્ષા એજન્સીઓ અને સુરક્ષા જવાનોની સરહદ પરની સતર્કતાના કારણે આતંકવાદીઓની ઘૂસણખોરી નિષ્ફળ થઇ રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter