નીરવ મોદીનો અહીં થયો હતો જન્મ, ખાખરા-પાપડ બનાવી ચલાવતા હતા ગુજરાન

પંજાબ નેશનલ બેંક સાથે 11400 કરોડની છેતરપીંડી કરનાર નીરવ મોદીનું મૂળ વતન પાલનપુર છે. જીએસટીવી નીરવ મોદીના મૂળ વતન પહોંચ્યુ અને ત્યાંના સ્થાનિકો સાથે વાત કરી. પાલનપુરના ઢાળવાસની સાંકડી ગલીઓમાં નીરવ મોદીનું કુટુંબ રહેતું હતુ. તેમનું જે મકાન હતું ત્યાં હાલ નવીન દુકાન બની ગઈ છે.

પરંતુ પહેલા જ્યારે તેઓ અહીં રહેતા હતા ત્યારે હાલ જે દુકાન મોજુદ છે ત્યાંજ તેવી રીતેજ નીચે દુકાન હતી અને ઉપરના માળે પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમની બાજુમાં એક પુરાણું મકાન આવેલું છે તે પણ તેમનું જ હતું. તેમને પાલનપુરના વિદ્યામંદિર ટ્રસ્ટને જમીન દાન આપનાર એક બહેને ભેટમાં આપ્યું હતું.

તેમના વિસ્તારમાં રહેનાર લોકો આજે પણ તેમને યાદ કરતા કહે છે કે નીરવ મોદીના દાદા મિલનસાર સ્વભાવના હતા. અને તેઓ પાલનપુરમાં મહેતાજીનો વ્યવસાય કરતા હતા. નીરવ મોદીના પિતા પિયુષભાઈ મોદી હીરાબજારનું કામ કરતા હતા.

નીરવ મોદીનો જન્મ પણ અહીં થયો હતો અને તેમનું બાળપણ પાલનપુરની ઢાળવાસની ગલીઓમાં વીત્યું હતુ. નીરવ મોદી 7 વર્ષના હતા ત્યારે તેમના પિતા ધંધાર્થે પાલનપુર છોડીને મુંબઈ ગયા હતા અને ત્યાર બાદ એન્ટવર્પ વસી ગયા હતા.

નીરવ મોદીના વતનમાં કરોડોનું કૌભાંડ સામે આવ્યા બાદ લોકો અચરજમાં મુકાયા છે. એક સમયે ખાખરા અને પાપડ બનાવી મજૂરી કરી ગુજરાન ચલાવતો પરિવાર આટલુ મોટું કૌભાંડ કરી શકે તેવું અહીંના લોકોને માન્યામાં નથી આવતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter