નદવીની સાથે ભારતના 80 ટકા લોકો છે : સુબ્રમણ્યમ સ્વામી

અયોધ્યામાં રામમંદિર નિર્માણની તરફદારી કરતા મૌલાના સલમાન નદવીને ભાજપમાંથી પણ સમર્થન મળવા લાગ્યું છે. ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નદવીને વિદ્વાન અને સમજદાર વ્યક્તિ ગણાવ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે નદવીની સાથે ભારતના 80 ટકા લોકો છે અને અસદુદ્દીન ઓવૈસીએ નદવીની માફી માંગવી જોઈએ.

રામમંદિર નિર્માણ પર નવી ફોર્મ્યુલા સૂચવ્યા બાદ મૌલાના નદવીને મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ મામલે ભાજપના સુબ્રમણ્યમ સ્વામીએ પ્રશ્નો ઉઠાવ્યા છે અને કહ્યુ છે કે એવું લાગે છેકે મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ એક દુકાનની જેમ ચાલી રહ્યું છે. તેમણે એઆઈએમપીએલબીમાંથી મૌલાના નદવીની હકાલપટ્ટીનો આકરો વિરોધ પણ કર્યો છે.

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નદવી સાથે દેશના 80 ટકા લોકો હોવાનું જણાવીને એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર તેમણે નિશાન પણ સાધ્યું છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે ઓવૈસીની પોતાની સ્ટાઈલ છે અને તેમની સાથે એકાદ બે જૂથો આવી ચુકયા છે. સ્વામીએ કહ્યુ છે કે ઓવૈસીએ સલમાન નદવીની માફી માંગવી જોઈએ.

મૌલાના નદવીના વખાણ કરતા સ્વામીએ કહ્યુ છે કે બાબરી મસ્જિદ એક્શન કમિટીના સૈયદ શહાબુદ્દીન જેવા કટ્ટરવાદી મુસ્લિમ વ્યક્તિ પણ સલમાન નદવીની વાત માનવા માટે તૈયાર હતા. આના પરથી મૌલાના નદવીની કાબેલિયતનો અંદાજો લગાવી શકાય છે. સુબ્રમણ્યમ સ્વામીએ અયોધ્યા વિવાદ પર હિંદુઓના તરફેણમાં મામલો જવાની આશા વ્યક્ત કરી છે. તેમણે ક્હ્યુ છે કે જુલાઈ સુધીમાં રામમંદિર પર કોર્ટનો ચુકાદો આવશે અને દિવાળી સુધીમાં મંદિર નિર્માણ થઈ જશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter